(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા જીઆઈડીસીની અનુપમ રસાયણ કંપનીમાં કંપની સંચાલકોની વિચિત્ર બેદરકારી સામે આવી છે.
ઝઘડિયા જીઆઈડીસી પોલીસે અનુપમ રસાયણ કંપની માંથી ચોરી થયેલ ૨૪.૯૦ લાખના કેટલીસ્ટ નામના કેમિકલના ચોરોને ૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા બાદ કંપનીનો સંપર્ક કરતા કંપની સંચાલકો એ ચોરીની ફરિયાદ નોંધાવી હતી ! નવાઈની વાત તો એ છે કે વેરહાઉસ માંથી કંપનીમાં જ કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સીસીટીવી કેમેરાની કવરેજમાં મુકેલા કેટલીસ્ટ કેમિકલના ડ્રમ સીસીટીવી કેમેરાની દિશા ફેરવીને ચોરી કરી ગયા તે પણ કેમેરા ફરી ગયા છે તેવું કંપની સંચાલકોને ધ્યાને આવ્યું નહીં.ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથક માંથી મળતી માહિતી અનુસાર કંપનીમાં પ્લાન્ટ ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવતા વિજય રતનજીભાઈ પરમારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે તેઓએ ગત તા.૯.૮.૨૩ ના રોજ કંપનીના પ્લાન્ટ માંથી ઉપયોગ થઈ ગયેલ ૬૮.૫ કિલો કેટલીસ્ટના ડ્રમ ભરી પ્લાન્ટના તાબામાં કામ કરતા વેરહાઉસના ઈન્ચાર્જને કેટલિસ્ટના બંને ડ્રમ સીલ મારી આપી આવેલ હતા.ત્યાર બાદ તા.૨.૧૧.૨૩ ના રોજ પ્લાન્ટ ઈન્ચાર્જ વિજય પરમાર કંપની પર હાજર હતા ત્યારે વેર હાઉસ માંથી વિજય પરમાર પર ફોન આવ્યો હતો કે કેટલીસ્ટ ડ્રમના સીલ ડાઉટફૂલ લાગે છે તેમ કહેતા પ્લાન્ટ ઈન્ચાર્જ વિજય વેરહાઉસ ગયેલ હતા અને બંને કેટલીસ્ટ ડ્રમ કેબલ ટાઈપ સીલ નંબર સાથેના હતા તે બદલાયેલ જણાયા હતા અને તેમાંથી કુલ ૬૮.૫ કિલો જેટલું કેટલીક ચોરાયાનુ જાણ થઈ હતી.ત્યાર બાદ કંપની સંચાલકોએ કેટલીસ્ટ ડ્રમ વેરહાઉસમાં સીસીટીવી કેમેરાની કવરેજમાં મુકેલ હતા જેથી તેઓએ સીસીટીવી કેમેરા ચેક કરતા બંને કેમેરાની દિશા ફેરવી નાખવામાં આવેલ હતી જેથી સીસીટીવી ફૂટેજમાં કોઈ હકીકત જણાયેલ આવેલ નથી અને કોઈ ચોરી ઈસમો ચોરી કરી ગયા હોવાનું જણાય આવેલ હતું. અનુપમ રસાયણ કંપનીના સંચાલકોને તા.૨.૧૧.૨૩ ના રોજ રૂ.૨૪.૯૦ લાખના કેમિકલની કંપનીમાંથી ચોરી થઈ હોવા છતાં પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી જેના પરથી કંપની સંચાલકોની બેદરકારી ફલિત થાય છે ! ગત તા.૨.૧૨.૨૩ ના રોજ કંપનીમાં વેરહાઉસમાં કામ કરતા કિશન વસાવા અને પ્રદીપ વસાવાને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે પકડેલ હોવાની માહિતી કંપની સંચાલકોને મળતા તેઓ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં તપાસ કરવા ગયેલ હતા અને જ્યાં તેમને માલમ થયું હતું કે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ દ્વારા ઝડપેલ કિશન હુરજીભાઈ વસાવા તથા પ્રદીપ વસાવા જેઓ અનુપમ રસાયણ કંપનીના વેરહાઉસમાં કોન્ટ્રાક્ટમાં કામ કરે છે.ઝઘડિયા પોલીસે બંને ઈસમો પાસેથી ૧૦ કિલો કેટલીસ્ટ જેની કિંમત રૂપિયા ૬ લાખના મુદ્દામાલ સાથે તેમને ઝડપી પાડ્યા હતા.જેથી કંપની સંચાલકોએ કિશન હુરજીભાઈ વસાવા રહે.મોરતલાવ તા. ઝઘડિયા તથા પ્રદીપ પ્રહલાદ વસાવા રહે. પીઠોર તા.વાલીયા વિરુદ્ધ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.