google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Friday, April 19, 2024
HomeGujaratજોર શોરથી બહુ ગાજી ઉઠેલા ચૈતર વસાવા માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ભરૂચ...

જોર શોરથી બહુ ગાજી ઉઠેલા ચૈતર વસાવા માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી ભરૂચ સીટ આપ માટે કરો યાં મરો જેવી

- ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસે હાલતો ગુમાવી દીધી : જો ચૈતર વસાવા હાર્યા તો ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી સહીત ગુજરાતમાં આપ પાર્ટીનું પણ અચ્યુતમ થઈ જાય તો નવાઈ નહીં - અહેમદ પટેલના પ્રસંશકો હવે આપના ઉમેદવારને કેટલું અને કેવું સમર્થન આપશે એ કહેવું મુશ્કેલ - કોંગ્રેસને ભરૂચ બેઠક પર ટિકિટ માટે ફાંફા : કોંગ્રેસ, આપ વચ્ચેની લડાઈમાં ભાજપાને થશે સીધો ફાયદો?

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

પંજાબ અને દિલ્હીમાં આપ સત્તા પર આવ્યા પછી આપ ની નજર સતત ગુજરાત તરફ રહી છે. ગુજરાત સૌથી વધુ બેઠકો સાથે જીતતી ભાજપા સામે શીંગડા ભૈરવવા આપ મરણીયા પ્રયાસ કરી છે.ખાસ કરીને ગત ગુજરાત વિધાનસભા માં આપને પાંચ બેઠકો મળી. અને ગુજરાતમાં આપે ખાતું ખોલાવ્યું.એનાથી આપને ગુજરાતના રાજકારણમાં પગ પેસારો કરવાની તક મળી.એમાંયે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ડેડીયાપાડાની બેઠક પરથી એક લાખ કરતા વધુ મતથી જીત મેળવતા આપે 2024ની લોકસભા માં પણ ખાતું ખોલાવવાનું મન બનાવી લીધું હતું. તેમાંયે ભરૂચ લોકસભાની બેઠક પર અરવિંદ કેજરીવાલે નેત્રંગ જાહેરસભામાં ભરૂચ બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાના નામની જાહેરાત થતા જ ભરૂચના રાજકારણમાં ગરમાવો આવી ગયો.

ખાસ કરીને કોંગ્રેસ અને આપ માં બન્ને પક્ષના ઉમેદવારો દાવેદાર થયા.કોંગ્રેસ માંથી સ્વ.અહેમદ પટેલ ના સુપુત્ર ફૈજલ પટેલે પિતાના ફોટા વાળા બેનરો લગાડી “હું તો લડીશ ” એવા સૂત્રો સાથે દાવેદારી ઠોકી દેતા એવુ લાગતું હતું ફૈજલ પટેલને પિતાના નામ અને કરેલા સેવાકીય કામોના નામે સહાનું ભૂતિ મળશે. એમ જણાતા કોંગ્રેસના કાર્યકરોમાં એક નવો ઉત્સાહ આવી ગયો હતો.પણ સામે સ્વ.અહેમદ પટેલની સુપુત્રી અને ફૈજલ પટેલના બહેન મુમતાઝ પટેલે પણ ભરૂચ બેઠક પર કોંગ્રેસની દાવેદારી કરતા એક જ પરિવારમાંથી બે ભાઈ બહેનોની દાવેદારીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને મૂંઝવણમાં મૂકી દીધા હતા.

છેવટે I.N.D.I.A ગઠ બંધન દ્વારા ગુજરાતની 26 બેઠકો માટે 24/2ની સમજૂતી થઈ જેમાં 24 બેઠકો પર કોંગ્રેસ લડે અને બે બેઠકો કોંગ્રેસ લડે એવી સમજૂતી થઈ જેમાં આપને ભરૂચ અને ભાવનગર ની બે બેઠકો ફાળવતા ભરૂચ બેઠક પર છેલ્લી ઘડીએ કોંગ્રેસનું પત્તુ કપાઈ જતા કોંગ્રેસ છાવણીમાં નારાજગી સાથે વિરોધના સુર પણ ઉઠવા પામ્યા છે.

અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે નારાજગી વ્યક્ત કરી.મુમતાઝ પટેલને આશા  હતી કે તેણીને આ બેઠક મળશે, કારણ કે તે પરંપરાગત રીતે આ બેઠક પાર્ટીની બેઠક રહી છે, જેનું પ્રતિનિધિત્વ અહેમદ પટેલ કરતા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે, આપ ને સીટ જાહેર થયા બાદ કોંગ્રેસના કાર્યકરો અને લોકો નિરાશ અને દુઃખી થયા છે.જોકે પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ પણ ભરૂચ બેઠક આપને આપવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ અહમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટમાં લખ્યું, “હું જિલ્લાના કાર્યકર્તાઓની ક્ષમાપ્રાર્થી છું, કારણ કે અમે ભરૂચની બેઠક ન મેળવી શક્યાં. તમારી વેદનાને પણ હું સમજુ છું. આપણે સાથે મળીને કૉંગ્રેસને મજબૂત કરીશું અને અહેમદ પટેલનાં 45 વર્ષના રાજકીય વારસાને એળે નહીં જવા દઈએ.”

ફૈઝલ પટેલે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતા પોતાની નારાજગી વ્યકત કરી છે. તેમણે જણાવ્યું, છે કે “હું અને પાર્ટીના કાર્યકર્તાઓ આ નિર્ણયથી ખુશ નથી. જોકે, હાઈકમાન્ડ કહેશે કે આ નિર્ણય લોકશાહી માટે જરૂરી છે તો અમે હાઈકમાન્ડને સમર્થન આપીશું. “હું હાઈકમાન્ડ સાથે ફરીથી વાત કરીશ. નોમિનેશન અને ચૂંટણી માટે હજુ ઘણો સમય છે અને મને આશા છે કે ભરૂચની બેઠક કૉંગ્રેસને મળશે.”ફૈઝલે ઉમેર્યું હતું કે ગાંધી પરિવાર મારો પણ પરિવાર છે. મને તેમના પર પૂરો ભરોસો છે કે તેઓ પટેલ પરિવારને આ બેઠક માટે જે લગાવ છે તે જરૂર સમજશે.

એક સમય હતો જયારે કોંગ્રેસનો દબદબો હતો અને સર્વે સર્વા કહી શકાય એવા સોનિયા ગાંધીના ખૂબ નજીક ના અને રાજકીય સલાહકાર એવા સ્વ. અહેમદ પટેલનો ભરૂચ જિલ્લો ગઢ ગણાતો હતો એવા ભરૂચ જિલ્લામાં કોને ટિકિટ ફાળવવીએ અહેમદ પટેલ નક્કી કરતા હતા. અને અહેમદ પટેલ જે નક્કી કરે એને કોંગ્રેસ હાઇ કમાન્ડ પણ મંજૂરીની મહોર મારી દેતી હતી, જેમની ભરૂચ જિલ્લામાં હાક વાગતી હતી સત્તાધારી ભાજપ પક્ષ પણ જેનું સન્માન કરતો હતો એ જ અહેમદ પટેલ ના પુત્ર પુત્રી ને આજે પોતાના જ ગઢ વિસ્તાર માં ટિકિટ મેળવવા ફાંફા પડી ગયા.પિતાની તસવીર વાળા બેનર હેઠળ “હું તો લડીશ “એવા બેનર હેઠળ પુત્ર ફૈજલ પટેલ ભરૂચ લોકસભા ના દાવેદાર તો થયા પણ હકદાર ના થઈ શક્યા.

આજકાલના આવેલા કહી શકાય એવા આપ ના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસની ટિકિટ ખૂંચવી લીધી અને બન્ને ભાઈ બહેનો હાથ ઘસતા રહી ગયા.ચૈતર વસાવાએ ભલે ભરૂચની બેઠકજીતીને સ્વ. અહેમદ પટેલ ને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આપવાનો વાત કરી હોય પણ સતત હારતી આવેલી ભરૂચ લોકસભા બેઠક કોંગ્રેસે હાલતો ગુમાવી દીધી છે અહેમદ પટેલના પ્રસંશકો હવે આપ ના ઉમેદવારને કેટલું અને કેવું સમર્થન આપશે એ કહેવું આજે તો મુશ્કેલ છે જો કૉંગેસ ના મતો પુરેપુરા આપના ઉમેદવારને નહીં મળે તો એનો સીધો ફાયદો ભાજપા ને મળે તો નવાઈ નહીં.

કારણ કે ફૈજલ અને મુમતાજ પટેલ બન્ને હાલ તો આપ ના ઉમેદવારને સમર્થન કરવાના મૂડમાં નથી ત્યારે જોર શોરથી બહુ ગાજી ઉઠેલા ચૈતર વસાવા માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આ સીટ આપ માટે કરો યાં મરો જેવી બની રહેશે.જોકે આપ માટે આ બેઠક ભાજપા સામે જીતવી એ લોઢાના ચણા ચાવવા જેવી છે.જો ચૈતર વસાવા હાર્યા તો ચૈતર વસાવા ની રાજકીય કારકિર્દી સહીત ગુજરાતમાં આપ પાર્ટીનું પણ અચ્યુતમ થઈ જાય તો નવાઈ નહીં.હવે જોવું એ રહ્યું કે ભાજપા આનો ફાયદો કેવી રીતે ઉઠાવશે એ જોવું રહ્યું.ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતોના માર્જિનથી જીતવાનો અટલ વિશ્વાસ વ્યક્ત કરી રહી છે ગુજરાતની 26 બેઠકો પૈકી ભરૂચલોકસભા બેઠક સૌથી મહત્વની બેઠક બની રહેશે એ નક્કી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!