ભરૂચ,
વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચમાં પાંજરાપોળ ખાતે ફ્રીમાં પાણીના કુંડા મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
૨૦ માર્ચની વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે.એક સમયે આપણા આંગણમાં રમતી ચકલી હવે ઓછી જોવા મળે છે. આધુનિકરણના યુગમાં વૃક્ષો કપાતા જાય છે, મોબાઇલ ટાવરો અને સિમેન્ટના જંગલો વધતા જાય છે.જેના કારણે ચકલી અને તેના જેવી પક્ષીની અનેક જાતિ લુપ્ત થતી જાય છે.
એક સમયે આપણાં આગણાંની શોભા ગણાતી અને જેની ચી..ચી..ચી..ની ચિચયારી ઘરે સાંભળવા મળતી તે ચકલીઓ હવે ઓછી જોવા મળી રહી છે એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવારે થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો હતો. ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે.પરંતુ અત્યારે ક્રોકીટના વધતા જતા બાંધકામ અને જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે.આજે વિશ્વ ચકલી દિવસ છે.દર વર્ષે ૨૦ માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે.જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે.ઉલ્લેખનીય છે કે ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે.તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભરૂચમાં પણ આજરોજ શક્તિનાથ વિસ્તારના પાંજરાપોળ ખાતે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળો અને ભૃગુ સહેલી ગ્રુપ દ્વારા શહેરની જનતાને મફત કુંડાનું વિતરણ કરી ઉનાળાની કાળઝાળ ગરમીમાં ચકલી સહિતના પક્ષીઓ પાણીથી વંચિત ન રહી જાય અને શહેરની જનતામાં અબોલ પક્ષીઓ માટે જાગૃતાના પ્રયાસ ભાગરૂપે ઘર બહાર લગાડવા પાણીના કુંડાનું વિતરણ કરી જનજાગૃતિ ફેલાવી હતી.આ પ્રસંગે પાંજરાપોળના ટ્રસ્ટી બિપિન ભટ્ટ,મહેન્દ્ર કંસારા સહિત મહાનુભાવો તેમજ આસપાસના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.