વાગરા,
વાગરાથી ભરૂચને જોડતાં માર્ગ પર ગતરાત્રીના હનુમાન ચોકડી પાસે એક બાઈક અને મોપેડ સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક યુવાનનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું.જ્યારે અન્ય ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા.
નાની ઉંમરના બાળકોને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.ગતરાત્રીના વાગરાની હનુમાન ચોકડી નજીક પૂરપાટ આવતી બાઈક અને મોપેડ સામ સામે ધડાકાભેર અથડાતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો.મોપેડ અને બાઈક બંને ઉપર બે – બે યુવાનો સવાર હતા.ચારેય યુવાનો ફંગોળાતા ઈજાગ્રસ્ત થયા હતા.તમામને પ્રાથમિક સારવાર માટે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યા હતા.જ્યાં વાગરાનાં લાહોરી ગોડાઉન વિસ્તારમાં રહેતા તોકીર શબ્બીર રાજ નામનાં યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક ભરૂચની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો હતો.જો કે રક્તસ્રાવનાં કારણે ત્યાંથી અમદાવાદ ખસેડવામાં આવ્યો હોવાની પણ માહિતી સાંપડી હતી.જો કે યુવાનની ટુંકી સારવાર બાદ મોત નિપજતાં પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.અન્ય 3 યુવાનો પૈકી એક યુવાન આસિફ મુનાફ રાજને સામાન્ય સારવાર બાદ રજા આપી દેવામાં હતી.જ્યારે આંકોટ ગામનાં બે યુવાનોને વધુ ઈજાઓના પગલે રાતોરાત ભરૂચ ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળ્યા મુજબ પૃથ્વીરાજ કિરણસિંહ રાઠોડ ઉં.વ.૧૫ આંકોટ તેમજ અન્ય એક યુવાનને જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હોવાના અહેવાલો પણ પ્રાપ્ત થઈ રહ્યા છે.વાગરા પોલીસે ઘટનાને પગલે તાબડતોડ તપાસ શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સગીર વયના યુવાનોમાં બાઈક અને મોપેડ ચલાવવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.વાગરાની કેટલીક શાળાઓમાં અભ્યાસ કરતા તેમજ ટ્યુશન કલાસ જતા લાયસન્સ અને પુખ્ત ઉંમરના ન હોય છતાં કાયદાઓને નેવે મૂકીને પૂરપાટ ઝડપે વાહનો હંકારતા હોય છે.યુવાનીમાં પ્રવેશતા બાળકો રિલ્સ બનાવવા સહિત ગેમિંગના રવાડે ચઢી એકબીજા સાથે રેસ પણ લગાવતા હોય છે અને આ જ કારણે અકસ્માતોની ગંભીર ઘટનાઓ સર્જાવા પામે છે. આવા બાળકોના વાલીઓ તેમજ શાળા સંચાલકોએ નોંધ લઈને પુખ્ત વયની નીચેના બાળકોને બાઈક ચલાવતા અટકાવવા જોઈએ.જેથી આવી મોટી દુઘર્ટનાઓમાં જતાં જીવ બચાવી શકાય તેમ છે.એક સાથે 3 યુવાનોના જીવ જોખમાતા સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો છે.ઉલ્લેખનીય છે કે નાની ઉંમરના બાળકોને વાહનની ચાવી સોંપી પોતાના બાળક અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર વાલીઓ સામે વાગરા પોલીસ કાયદાનો કોરડો ઝીંકી જવાબદારીનું ભાન કરાવે તે અત્યંત જરૂરી બન્યું છે.
વાગરા હનુમાન ચોકડી પાસે બાઈક અને મોપેડ વચ્ચે ગંભીર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું
- નાની ઉંમરના બાળકોને વાહનની ચાવી સોંપી પોતાના બાળક અને અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકનાર વાલીઓ સામે વાગરા પોલીસ કાયદાનો કોરડો ઝીંકી જવાબદારીનું ભાન કરાવે તે અત્યંત જરૂરી