અંકલેશ્વર,
ભરૂચ એલસીબીએ અંકલેશ્વરની વાલિયા ચોકડી પાસેથી મુંબઈથી જંબુસર લઈ જવાતા મોંઘીદાટ મોબાઈલ કંપની એપલના ૨૬ આઈફોન અને વિદેશી કરન્સી મળી કુલ ૯.૭૮ લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી હતી. ભરૂચ જીલ્લા પોલીસવડા મયુર ચાવડાએ જીલ્લામાં મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવા અને શંકાસ્પદ વાહનો, પ્રવૃતિને ડામવા આપેલ સૂચનાને આધારે એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતો.મુંબઈથી જંબુસર શંકાસ્પદ iPhone નો જથ્થો લઇને એક યુવાન જવાનો હોવાની બાતમી મળી હતી. બાતમી આધારે અંકલેશ્વરની વાલીયા ચોકડી ખાતે ટીમે વોચ ગોઠવી હતી.દરમ્યાન બાતમી વાળો ઈસમ આવતા તેને અટકાવી તેની પાસે રહેલ બેગમાં તપાસ કરતાં તેમનાથી એપલ કંપનીના અલગ અલગ મોડલના ૨૬ આઈ ફોન અને આઈપેડ,એપલ મેકબૂક એર બુક મળી આવી હતી.પોલીસે શંકાસ્પદ મોબાઈલ અને ચીજવસ્તુઓ અંગેના પુરાવા માંગતા તેને સંતોષકારક જવાબ નહીં આપવા સાથે કોઈ આધાર પુરાવા પણ મળી આવ્યા ન હતા.
જંબુસરના દેવલા ગામના મસ્જિદ પાસે રહેતો મહંમદ સલીમ હસન પટેલની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરાઈ હતી. તેની પાસેથી મોબાઈલ, રોકડા ૧૩ હજાર અને સાઉથ આફીકન ૧૩૪૦ RAND,અમેરીકન ચલણ ૧૬૦૦ ડોલર તેમજ પાસપોર્ટ મળી આવતા પોલીસે કુલ ૯.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.