તમે નાના હતા ત્યારે સમય પસાર કરવા શું કરતા એવું એવરેજ ૩૦ની ઉંમરની કોઈ પણ વ્યક્તિને પૂછવામાં આવે તો એનો જવાબ શું હશે ? આપણું બાળપણ અનેક ખટમીઠાં સંભારણા સાથે એને યાદ કરતાં નજર સામે તરવરી ઉઠે.
એ મિત્રો સાથે ઘર ઘર રમવાના દિવસો, નાનાં નાનાં વાસણોને સાચવીને ગોઠવવાના દિવસો, મિત્રો સાથે ગાર્ડનમાં રમવાના દિવસો, વરસાદમાં કાગળની હોડી બનાવીને તરતી મુકવાના દિવસો, માટીને ભીની કરીને એમાથી વસ્તુઓ બનાવવાના દિવસો, મેળામાં જવાના દિવસો અને બીજું ઘણુંય, અનેક પ્રવૃત્તિઓથી ભરપુર આપણું બાળપણ ખરેખર સમૃદ્ધ હતુ, કારણ કે એ સમયે મોબાઈલનો જન્મ નહોતો થયો.
રપ થી ૪૦ની ઉંમર ધરાવનાર દરેક વ્યક્તિને સમૃદ્ધ બાળપણ પ્રાપ્ત થયું છે. એ સમયે મોબાઈલનો પ્રકોપ અત્યાર જેટલો નહોતો. કહો કે એ વખતના બાળકો માટે એ સુવર્ણકાળ હતો. આપણે સમય પસાર કરવા માટે મોબાઈલના સહારે નહોતું રહેવાનું. આપણી પાસે કરવા માટે અનેક પ્રવૃત્તિઓ હતી. અત્યારના બાળકો પાસે એ સ્કોપ ઓછો થતો જાય છે. હવેના મોટાભાગના પેરેન્ટ્સને બાળકો મોબાઈલનો ખૂબ ઉપયોગ કરી રહ્યાં છે એવી ફરિયાદ હોય છે.
આજના બાળકો ગેજેટ્સના આદી થતાં જાય છે. આપણને જે ઉંમરે રમકડાંથી માંડ રમતા આવડતું એ ઉંમરે આપણાં બાળકો મોબાઈલ ચાલુ કરીને એમાંથી યુટયુબ જાતે શોધી લે છે અને એ ચાલુ કરીને પોતાનું મનગમતું કાર્ટૂન પણ મૂકી દે છે. મોબાઈલમાં પાસવર્ડ સેટ કર્યો હોય અને એક જ વાર બાળક સામે પાસવર્ડ બોલી જવાય તો એને ફટ કરતો યાદ રહી જાય છે. બાળકોમાં ગેજેટ્સના કારણે સ્માર્ટનેસ વહેલી આવી જાય છે. જોકે સ્માર્ટ હોવું એ તો સારી બાબત છે. પણ ગેજેટ્સનું વળગણ બાળકને ન્યુરોલોજિકલ સમસ્યા સુધી દોરી જાય છે.
વધારે સ્ક્રીન ટાઈમની અસર ઃ સ્ક્રીન ટાઈમને લઈને પણ અમુક શિસ્ત હોવી જરૂરી છે. પહેલાં બે વર્ષ તો બાળકને મોબાઈલથી સદંતર દૂર જ રાખવું. પછી ત્રણથી પાંચ વર્ષના ગાળામાં એને મોબાઈલ આપી શકાય, પણ એનો સમય મેÂક્સમમ કલાકનો જ રાખવો. પાંચ વર્ષ બાદ આ સમયગાળો ઘટાડી દેવો. મોબાઈલમાં બાળક કેવું કન્ટેન્ટ જુએ છે એ પણ માર્ક કરો. એને વારંવાર કન્ટેન્ટ બદલવાની આદત હોય તો એને ટોકો. આ સારી બાબત નથી. વધારે પડતા મોબાઈલના વપરાશથી બાળકમાં ન્યુરોલોજિકલ સમસ્યા થઈ શકે છે. સ્વભાવમાં અધીરાઈ, ગુસ્સો, એક જ વાત રીપિટ કરવાની આદત, એકાગ્રતાનો અભાવ, એડીએચડી વગેરે અનેક સમસ્યાઓ થઈ શકે છે.
આપણો ભૂતકાળ અને આપણાં બાળકોનો વર્તમાન -આપણે આપણા બાળપણને વાગોળીએ તોખ્યાલ આવશે કે આપણી અંદર વાંચનનો શોખ આપણાં માતા-પિતા કે દાદા-દાદીમાંથી ડેવલપ થયો છે. પહેલાના સમયે મોટાભાગના લોકોના ઘરમાં પુસ્તકો રહેતા. જેમને વાંચતા ન આવડતું એ પોતાના બાળકોને બીજી પ્રવૃત્તિ શીખવતા અને ઘણા એમ પણ કહેતા કે અમને વાંચતા નથી આવડ્યું, પણ તમે શીખો.
એ આપણો ભવ્ય ભૂતકાળ હતો. મોન્ટેસરી પદ્ધતિથી ભણવાનું આપણે શીખ્યા અને જીવનને ઉપયોગી બીજી વસ્તુઓ પણ આપણે શીખ્યા, પણ આજના બાળકોનું શું ? નો ડાઉટ આપણે આપણાં બાળકોને બેસ્ટ શિક્ષણ આપવા શ્રેષ્ઠ પ્રયત્નો કરીએ છીએ તેમ છતાં આપણે જે ઓથેન્ટિસિટીથી મોટા થયા છીએ એની કમી ક્યાંક ને ક્યાંક આપણાં બાળકોના બાળપણમાં વર્તાય છે. આનું એક કારણ વધારે પડતો આપણો સેÂન્સટિવ સ્વભાવ પણ કહી શકાય. બીજું કે હવેના બાળકો સમય પસાર કરવા માટે રમકડાંને બદલે મોબાઈલ નામના ટોયથી રમવાનું પસંદ કરે છે. એની પાછળનું કારણ ક્યાંક ને ક્યાંક આપણે પણ ખરા જ.
બાળક જે જોશે એ જ શીખશે !
માતા-પિતાની સૌથી મોટી ફરિયાદ કે બાળક મોબાઈલનું આદી થઈ ગયું છે. એના વિશે પહેલાં વાત કરીએ. આજનું બાળક બહુ નાની ઉંમરથી જ ગેજેટ્સ અને ખાસ કરીને મોબાઈલનો ક્રેઝ ધરાવતું બની જાય છે. આનું સૌથી મોટું કારણ આપણે પણ છીએ. આપણે જ મોબાઈલનો વપરાશ અઢળક પ્રમાણમાં કરીશું તો સંતાનો એ જોઈને શીખવાનાં જ ને ?
નાનપણથી થોડી સમજ ડેવલપ થાય ત્યારથી નાનુ બાળક પોતાની આસપાસના લોકોના હાથમાં મોબાઈલ જુએ છે. એ વખતે ખોળામાં સુતા બાળકને એવી ખબર નથી હોતી કે એનાં માતા, પિતા કે કોઈ પણના હાથમાં આ શું છે જે મોટાભાગે એમના હાથમાં હોય જ છે. સાવ નાની ઉંમરથી જ એના મગજમાં એ જિજ્ઞાસા ડેવલપ થવા માંડે છે કે મારા જેટલું જ ઈમ્પોર્ટન્ટ આ તે વળી શું છે જે બધાના હાથમાં હોય છે. એ એની મોટી મોટી આંખોથી એ જોયા કરે છે.
પછી એ જયારે ખાવા-પીવામાં આનાકાની કરે ત્યારે મમ્મીઓ મોબાઈલ બતાવીને એને ખાવા માટે લલચાવે છે. એકંદરે બાળકની મોબાઈલ જોવાની આદત આ જ રીતે ડેવલપ થતી હોય છે, જે પાંચ વર્ષનું થાય ત્યાં સુધીમાં અતિશય વધી જાય. આમાં વાંક એકલો એનો નથી. આમાં પેરેન્ટસનો પણ એટલો જ વાંક છે. એની સામે આપણેય મોબાઈલ લઈને બેસી જઈએ છીએ.
એ બોલાવે, તમને રમવા માટે આનાકાની કરે ત્યારે મોબાઈલ જોતાં ખલેલ પહોંચે એટલે આપણે એની ઉપર ખિજાઈ જઈએ છીએ. આપણી આ બધી જ એકશન એને શીખવાડે છે કે જીવનમાં મોબાઈલનું કેટલું મહત્વ છે. થોડા સમજણા બાળકને પણ અનુભવ થાય છે કે મારા કરતાં મારા પેરેન્ટ્સ માટે મોબાઈલ મહત્વનો છે. આપણું એ જ જેશ્વર એ ફોલો કરે છે. પછી આપણે ફરિયાદ કરીએ કે સંતાન મોબાઈલના આદી થઈ ગયા છે, તો એને એ આદત લગાડનાર બેઝિકલી આપણે જ હોઈએ છીએ. જો આપણે મોબાઈલને છોડી નથી શકતાં તો બાળકો પાસે કેવી રીતે આશારાખી શકીએ?
બેઝિક આદત જ બદલવાની જરૂર ઃ હવે સ્ત્રીઓ પૌરાણિક રીતરિવાજ ફોલો કરતી થઈ છે. ગર્ભ રહ્યો હોય એ સમયે ગર્ભસંસ્કાર કરાવવા, સારા સાહિત્ય વાંચવા એ બધું બેઝિક છે. સ્ત્રીઓ એ કરે છે, પણ આ પથ્થરની લકીર નથી. એ થઈ જાય એટલે બાળકની તમામ આદતો સારી જ થાય એવું જરૂરી નથી. બાળક જન્મી ગયા પછી તમારું એકશન કેવું છે એ પણ જરૂરી છે, કારણ કે બાળકના પહેલા શિક્ષક એના ઘરના જ હોય છે. એ ઘરમાં જે વાતાવરણ જોશે એ જ રીતે એની અંદર પણ આદત ડેવલપ થશે. જો બાળક ઘરના લોકોને વાંચતા જોશે તો એ પણ પુસ્તકપ્રેમી બનશે અને જો એ મોબાઈલ વધારે વાપરતા જોશે તો એ મોબાઈલપ્રેમી બનશે.