(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઘણા સ્થળોએ ગેસ રિફલિંગનો જોખમી ધંધો ફુલ્યો ફાલ્યો હોવાની વ્યાપક ચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે. થોડા સમય અગાઉ ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારના દધેડા ગામેથી ગેસ રિફલિંગ ઝડપાયું હતું.ત્યારે હાલ ગતરોજ તા.૧ લીના રોજ ઝઘડિયા નગરમાં ગેસના મોટા બોટલ માંથી નાના બોટલમાં ગેસ ટ્રાન્સફર કરી ગેસ રિફલિંગનું જોખમી કૃત્ય કરનાર એક ઈસમને ઝઘડિયા પોલીસે ઝડપી લીધો હતો.
આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા પોલીસને ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી હતી કે ઝઘડિયા કન્યાશાળા પાસે આવેલ સુરેશ ગેસ સર્વિસ નામની પતરાની કેબિનમાં એક ઈસમ મોટા બોટલમાંથી નાના બોટલોમાં ગેસ ગેરકાયદેસર ગેસ ટ્રાન્સફર કરીને વેચાણ કરે છે.પોલીસને મળેલ બાતમી મુજબના સ્થળે સુરેશ ગેસ સર્વિસના નામે ચાલતી કેબિનમાં જઇને તપાસ કરતા સ્થળ ઉપરથી ગેસની એક મોટી બોટલ ઉંધી હાલતમાં મુકેલ હતી અને તેના આગળના ભાગે પિત્તળના વાલ્વવાળી રિફલિંગ પાઈપનો બીજો છેડો ફિટ કરેલ હોવાનું જણાયું હતું અને એક વજનકાંટા પર નાની બોટલ મુકેલ હતી,તેમજ વજનકાંટો ચાલુ હોઈ તેના પર ૭.૨૦૦ કિલોગ્રામ વજન બતાડતું હતું.તપાસ દરમ્યાન સદર ઈસમ પાસે ગેસની બોટલ રાખવા તેમજ રિફલિંગ કરવા બાબતનો કોઇ પરવાનો મળ્યો નહતો.પોલીસે સદર ઇસમ પિન્ટુકુમાર માંગીલાલ કાબરા હાલ રહે.મેઈન બજાર,ટાવર રોડ, બજરંગ વાસણ ભંડાર,ઝઘડિયા અને મુળ રહે.રાજસ્થાનના વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે એક બોટલ માંથી બીજા બોટલમાં ગેસ ટ્રાન્સફર કરવું ગેરકાયદેસર હોવા ઉપરાંત આ કૃત્યથી આગ લાગી શકે તેવી સંભાવના પણ રહેલી છે,તેને લઈને કોઈવાર જાનહાની પણ થવાની દહેશત રહેલી હોય છે.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા ખાતે આવેલ જીઆઇડીસીમાં કામ કરતા સેંકડો પર પ્રાંતિય કામદારોને તેમના રોજિંદા ઉપયોગ માટે ગેસની બોટલોની જરૂર પડતી હોય છે.એકલદોકલ કે બે ત્રણ વ્યક્તિઓના સમુહમાં રહેતા કામદારો મોટાભાગે ગેસની નાની બોટલો પસંદ કરતા હોય છે,તેથી ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારના ગામો સહિત અન્ય વિસ્તારોમાં પણ ગેસ રિફલિંગનો જોખમી ધંધો ફાલ્યો હોવાની વિગતો સામે આવી છે તેથી પોલીસ તાલુકાના વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ હાથધરીને ગેસ રિફલિંગના જોખમી ધંધા સાથે સંકળાયેલ ઈસમોને ખુલ્લા પાડીને તેમના વિરૂધ્ધ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.
ઝઘડિયા ગામે મોટા ગેસ બોટલમાંથી નાના બોટલમાં ગેસ રિફલિંગ કરતો એક ઈસમ ઝડપાયો
- તાલુકાના જીઆઈડીસી વિસ્તારના કેટલાક ગામોએ પણ ગેસ રિફલિંગનો જોખમી વ્યવસાય થતો હોવાની બુમ