ભરૂચ,
વાગરા તાલુકાના ખોજબલ ગામમાં વન્ય પ્રાણીનો શિકાર કરી તેનું માંસ કટીંગ કરાઈ રહેલ સ્થળ પર વાગરા વન વિભાગની ટીમે દરોડા પાડી વન્ય પ્રાણીનું માંસ જપ્ત કર્યું હતું.જોકે શિકારીઓ સ્થળ છોડી ફરાર થવામાં સફળ રહ્યા હતા.વન વિભાગની ટીમે સ્થળ ઉપરથી ૪ થેલા ભરેલ વન્ય પ્રાણીનું માંસ તેમજ બે મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
ભરૂચ જીલ્લાના વાગરા વનવિભાગની કચેરી ખાતેથી મળતી વિગતો અનુસાર ગતરોજ રાત્રીના જંગલ ખાતાના અધિકારીઓ તેમજ કમૅચારીઓ વાગરા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન વાગરા તાલુકાના ખોજબલ ગામે ગૌચરની જગ્યા ઉપર કેટલાક ઈસમો વન્ય પ્રાણીનો શિકાર કરી મરણ નિપજાવી તેનું માંસ કટીંગ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી.જે બાતમીના આધારે સ્થળ ઉપર દરોડો પાડતા વન્ય પ્રાણીનું કટીંગ કરી રહેલા શિકારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.વન વિભાગે સ્થળ પરથી માંસ,માંસ કટિંગ કરવાના સાધનો સહિત બે મોટર સાયકલ જપ્ત કરી માસનાં નમૂના લઈ એફએસએલ માટે મોકલવાની કવાયત હાથધરી હતી.જોકે હાલતો વન વિભાગે વન્ય પ્રાણી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી શિકાર કરી ફરાર થઈ ગયેલ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.વનવિભાગની ટીમને મળી આવેલ માંસ કયા પ્રાણીનું છે?જે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે.