google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeCrimeનેત્રંગ વનવિભાગના મહિલા રેન્જ ફોરેસ્ટ અધિકારી વિરૂધ્ધ બીટગાર્ડ દ્વારા પોલીસ ફરિયાદ કરાતા...

નેત્રંગ વનવિભાગના મહિલા રેન્જ ફોરેસ્ટ અધિકારી વિરૂધ્ધ બીટગાર્ડ દ્વારા પોલીસ ફરિયાદ કરાતા ચકચાર

- ખાડા ખોદવા બાબતે થયેલ બોલાચાલી બાદ મહિલા આરએફઓ દ્વારા બીટગાર્ડને ગાળો દઈને ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

(જયશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે વનવિભાગમાં રેન્જ ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારી વિરૂધ્ધ વનવિભાગના જ એક કર્મચારીએ આરએફઓ દ્વારા તેમને ગાળો બોલીને ધમકી આપી હોવા બાબતે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

આ અંગે મળતી વિગતો મુજબ મુળ આણંદ જીલ્લાના રહીશ અને હાલ ભરૂચ જીલ્લાના નેત્રંગ ખાતે રહીને  વનવિભાગમાં નેત્રંગ રેન્જના કાંટીપાડા બીટ પર બીટગાર્ડ તરીકે નોકરી કરતા રવિન્દ્રકુમાર સાહેબસિંહ ગોહિલે વનવિભાગમાં નેત્રંગના મહિલા આરએફઓ (રેન્જ ફોરેસ્ટ અધિકારી) તરીકે ફરજ બજાવતા જશુબેન માનસિંગભાઈ સરવૈયા વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકે લખાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તા.૧૯ મીના રોજ તેઓ તેમની સાથે વનવિભાગમાં કામ કરતા અન્ય બીટગાર્ડો સાથે વાલપોર બીટના ગાલિબા ગામે વનવિભાગ દ્વારા જીસીપી વાવેતરમાં ખાડા ખોદવાનું કામ ચાલતું હોઈ ત્યાં જોવા માટે ગયા હતા.ત્યાં કામ કરતા મજુરોને કામ કરવા બાબતે સુચના આપીને જે કામગીરી બગડેલ હતી તેને સુધારવા સમજ આપી હતી.ત્યાર બાદ સાંજના ચારેક વાગ્યાના અરસામાં રવિન્દ્રભાઈના મોબાઈલ પર મહિલા આરએફઓ જશુબેનનો વોટ્સએપ કોલ આવ્યો હતો અને તેમણે પુછ્યું હતું કે રવિભાઈ તમે ગાલિબા ગામે ગયા હતા?ત્યાં મજુરો બાબતે શું કહેતા હતા? ત્યારે તેમણે જણાવ્યું હતું કે મેં મજુરોને ખાડા ખોદેલ હતા તે સુધારવા જણાવ્યું હતું અને મજુરોને પુછ્યું હતું કે તમને આ ખાડા ખોદવાનું કોણે કહ્યું છે.આ સાંભળીને મહિલા આરએફઓ જશુબેન એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે તુ જે કરતો હોયતે કર એમ  કહીને ગાળો બોલવા લાગ્યા હતા અને તું ઓફિસે આવ તને જોઈ લઈશ,તારા ઘેર આવીને તને પાડી દઈશ.આ સાંભળીને રવિન્દ્રએ તેમને ગાળો બોલવાની ના પાડતા તેમણે મારી નાંખવાની ધમકી આપી હતી.

પોલીસ ફરિયાદમાં જણાવાયા મુજબ સદર  મહિલા આરએફઓ દ્વારા રવિન્દ્રને ગમેતે પ્રકારે હેરાન કરવામાં આવતો હતો.આ સંદર્ભે બીટગાર્ડ રવિન્દ્રકુમાર સાહેબસિંહ ગોહિલે મહિલા આરએફઓ જશુબેન માનસિંગભાઈ સરવૈયા વિરૂધ્ધ નેત્રંગ પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે આઈપીસી ૫૦૪ અને ૫૦૭ કલમ મુજબ ગુનો દાખલ કરતા પીએસઆઈ રાજેન્દ્રસિંહ ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જ્યારે આ બાબતે મહિલા આરએફઓ જશુબેનનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે વનવિભાગના કેટલાક કર્મચારીઓ તેમની કામગીરી યોગ્ય રીતે કરતા ન હતા,તેમજ મજુરોને પણ ગાળો દેતા હતા,ડિપાર્ટમેન્ટનનું કામ પણ કરવા દેતા નહતા અને ફરજમાં રુકાવટ ઉભી કરતા હતા તેથી તેમને લેખિતમાં નોટિસો પણ આપી હતી.તેમના વધુમાં જણાવ્યા મુજબ એક કર્મચારી પંદર વર્ષથી એકજ જગ્યાયે હતા અને તેમના વિરૂધ્ધ એસીબીની ફરિયાદ થઈ હોવા છતાં નેત્રંગમાં જ રહે છે અને તેઓ ડિપાર્ટમેન્ટના અન્ય લોકોને ગેરમાર્ગે દોરે છે.ત્યારે નેત્રંગ વનવિભાગમાં અધિકારી અને કર્મચારી વચ્ચે વિવાદ ઉભો થતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!