ભરૂચ,
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે શહેરના નંદેલાવ વિસ્તારમાં ધમધમતી જુગારધામ પર રેડ કરી ૬ જુગારીયાઓને રંગેહાથ ઝડપી પાડી ૨.૩૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.પોલીસે રોકડ રકમ ઉપરાંત ઘટના સ્થળેથી ૩ વાહનો પણ કબ્જે કર્યા છે.
મહાનિરીક્ષક સંદિપસિંહ વડોદરા વિભાગ દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઈસમો ઉપર અંકુશ લાવવા તેમજ દારૂના નશાની બદીને રોકવાના હેતુસર ખાસ ઝુંબેશ શરૂ કરાવી છે.જુગારની પ્રવૃત્તિને નેસ્ત-નાબુદ કરવા માટે પ્રોહીબિશન અને જુગારની ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.જે બાબતે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સુચના આધારે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ.ગાંગુલીના માર્ગદર્શનના આધારે ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનની ટીમે જુગારના કેસ શોધી કાઢવા પ્રયત્નો હાથધર્યા હતા.આ દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમને બાતમી મળેલ કે “ભરૂચના નંદેલાવ વિસ્તારની જલારામ હોસ્પિટલ પાછળ આવેલ હરીઓમ નગર સોસાયટીના રહેણાંકના મકાનમાં ગેરકાયેસર પત્તા-પાના વડે હારજીતનો જુગાર રમતા હોય” તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે હરીઓમ નગર સોસાયટીના મકાન નંબર સી-૨૭ ખાતેથી સફળ રેઈડ કરી ૬ આરોપીઓને કુલ રૂપિયા ૨.૩૭ લાખના રોકડ તથા અન્ય મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા આવેલ છે.પોલીસે દરોડા દરમ્યાન અંગ ઝડતીના તથા દાવ પરના રોકડા રૂપીયા ૫૭,૯૪૦, ૬ મોબાઈલ ફોન,૩ મોટર સાયકલ અને મોપેડ મળી કુલ રૂપિયા ૨.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચના નંદેલાવ વિસ્તારમાં ધમધમતી જુગારધામ પર રેડ કરી ૬ જુગારીયાઓને પોલીસે ઝડપી પાડયા
- જલારામ હોસ્પિટલ પાછળ આવેલ હરીઓમ નગર સોસાયટીના રહેણાંકના મકાનમાં રમતા હતા - રોકડા રૂપીયા ૫૭,૯૪૦, ૬ મોબાઈલ ફોન,૩ મોટર સાયકલ અને મોપેડ મળી કુલ રૂપિયા ૨.૫૭ લાખનો મુદ્દામાલ કબ્જે