(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ઝાબ ગામેથી પાણીબાર સુધી વહેલી સવારે પ્રભાત ફેરી ફેરવવામાં આવી હતી.ઝાબ ગામેથી નીકળી પ્રભાત ફેરી પાણીબાર રામ ટેકરી ખાતે ધારાસભ્યના નિવાસ સ્થાને પહોંચી હતી.જ્યાં પાણીબાર અને ઝાબ ગામે ધારાસભ્ય જયંતિ રાઠવાની ઉપસ્થિતિમાં મહાઆરતી કરવામાં આવી હતી.અયોધ્યા રામ મંદિરને લઈને દેશભરમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.ત્યારે પાવીજેતપુર તાલુકાના ઝાબ થી લઈ પાણીબાર ગામે આજ રોજ વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી.આ પ્રભાત ફેરીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.આ પ્રભાત ફેરી રામધૂન અને જયશ્રી રામના નારા સાથે સમગ્ર ગામમાં ફરી હતી.ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની આ પહેલને ગ્રામજનોએ વ્યાપક પ્રતિસાદ આપ્યો અને બાળકો,આગેવાનો, વૃદ્ધ સહિત સૌ ગ્રામજનો આ પ્રભાત ફેરીમાં ઉમટી પડ્યા હતા.આ અવસરે ધારાસભ્ય જયંતિ રાઠવાએ ભવ્ય રામમંદિરની ભેટ આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આજના ઐતહાસિક અવસરે સહુની આતુરતાનો અંત આવ્યો છે. વડાપ્રધાનશ્રીના કરકમલો દ્વારા ભગવાન રામની પ્રતિષ્ઠા થઈ છે.વડાપ્રધાનના નેતૃત્વમાં વિકાસ અને વિરાસતના કાર્યો અવિરત ચાલતા રહે તેવી પ્રભુ શ્રી રામના ચરણે પ્રાર્થના છે.એમ જણાવી તેમણે તમામને અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે સરપંચો, આગેવાનો,ભાજપા સંગઠનના હોદ્દેદારો,તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.