ભરૂચ,
ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની ઓફિસ દ્વારા આગામી લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેકટર ઓફિસ અને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તાલીમનું આયોજન કરાયું હતું.
આ તબક્કે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ માર્ગદર્શક સૂચનો આપ્યા હતા.ચૂંટણીઓમાં કોઈને કોઈ વિશિષ્ટતા રહેલી હોય છે,નિયમોને આધીન રહીને ચુંટણી પ્રક્રિયામાં જોડાનારા અધિકારીઓ તનાવમુકત રહીને સારી રીતે કામગીરી બજાવી શકે તે માટે રીફ્રેશમેન્ટ તાલીમનું પણ આયોજન કરવામાં આવતું હોય છે.ત્યારે, તમામ અધિકારીઓ ખૂબ સારી રીતે આ તાલીમનો લાભ મેળવે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
લોકસભા ચૂંટણીની તૈયારી સંદર્ભ કાયદો અને વ્યવસ્થા તેમજ સ્વિપ તેમજ નોમિનેશન (ઉમેદવારી પત્ર) ની તાલીમ અપાઈ હતી.જેમાં જુદા – જુદા વક્તાઓ પૈકી,મતદાર નોમિનેશન તાલીમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભરૂચ ડો.એસ.એમ.ગાંગુલી, દ્રારા આપવામાં આવી હતી. અને પ્રાંત અધિકારી ઝઘડીયા ડી.એસ.બારીયાએ કાયદો વ્યવસ્થાની તાલીમ આપી ચૂંટણીમાં રીટર્નિંગ ઓફિસરની સાથે ખભો – ખભો મિલાવી કઈ રીતે સારામાં સારી રીતે ચૂંટણી પ્રક્રિયાને પૂર્ણ કરવી તે અંગે ચૂંટણીલક્ષી કલમો અને અન્ય બાબતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ઉપરાંત આસિસ્ટન્ટ રીટર્નિંગ ઓફિસર તરીકેના નિયમો અને ફરજો અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે સ્વિપ અંગેની તાલીમ જિલ્લા શિક્ષણ અધિકારીએ પૂરી પાડી હતી. Systematic Voters Education and Participation Progrrame (મતદાર શિક્ષણ અને ચૂંટણી સહભાગીતા સુઆયોજિત કાર્યક્રમ) મતદાર શિક્ષણ, મતદાર જાગૃતિ ફેલાવવા અને ભારતમાં મતદાર સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે ભારતના ચૂંટણી પંચનો મુખ્ય કાર્યક્રમ છે. જેની વિગતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી માર્ગદર્શન SVEEP અંગેની માહીતી આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડો.એસ.એમ.ગાંગુલી, પ્રાંત અધિકારી ઝઘડીયા ડી.એસ.બારીયા તેમજ જિલ્લાના ચૂંટણી સાથે સંકળાયેલ અધિકારી અને કર્મચારી હાજર રહ્યા હતા.