(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના દરેક સરકારી આરોગ્ય કેન્દ્રોમાં ટીબીના દર્દીઓને વિનામુલ્યે સારવાર અપાતી હોય છે.ઝઘડિયાના ટીબી વિભાગના હેલ્થ સુપરવાઇઝર સંદિપભાઈના જણાવ્યા મુજબ હાલ તાલુકામાં ૧૩૪ જેટલા ટીબીના દર્દીઓ સારવાર હેઠળ છે.સામાન્ય રીતે ટીબીના દર્દીઓને જરૂરી તબીબી સારવારની સાથેસાથે પોષણયુક્ત ખોરાકની પણ જરૂર પડતી હોય છે,ત્યારે ઉમલ્લાની આર.પી.એલ કંપની દ્વારા તાલુકાના ટીબીના દર્દીઓને દરમહિને પોષણ કીટ અપાય છે.જેમાં ખજુર, ચોખા,દાળ,ઘી,ચણા, ગોળ, ખાદ્યતેલ જેવા પોષણુક્ત ખાદ્ય પદાર્થો હોય છે. આર.પી.એલ કંપનીના અધિકારી સાગરભાઈએ જણાવ્યું કે કંપની દ્વારા તાલુકાના વિવિધ આરોગ્ય કેન્દ્રોના ટીબી દર્દીઓને નિયમિત પોષણકીટ અપાય છે.ટીબી વિભાગના દિપકભાઈના જણાવ્યા મુજબ આ કીટ ઝઘડિયા ખાતે આરોગ્ય કચેરીમાં તેમજ ઉમલ્લા સરકારી દવાખાને અપાતી હોય છે.આ બે સ્થળોએ તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના વિસ્તારના ટીબી દર્દીઓને સમાવી લેવાય છે.અત્રે ઉલ્લેખનીય છેકે ટીબીના રોગની પહેલાના સમયે રાજરોગ તરીકે ગણના થતી હતી. પ્રાચિન સમયે કોઈ ટેકનોલોજીનો વિકાસ ન હતો થયો તેને લઈને ઘણીબધી બિમારીઓ અસાધ્ય ગણાતી હતી.તેમાં ટીબીના રોગની વાત કરીએ તો ટીબીના તે સમયના દર્દીઓમાં ઘણા દર્દીઓના કિસ્સામાં ટીબીની બિમારી અસાધ્ય બનતી હતી.જ્યારે આજના વિકસીત સમયમાં અધ્યતન તબીબી ટેકનોલોજીના વિકાસે ટીબીનો રોગ અસાધ્ય નથી રહ્યો. હાલના સમયે દરેક સરકારી દવાખાનાઓમાં ટીબીની સારવાર મફત અપાતી હોય છે.ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત ઉમલ્લા અને અવિધા ખાતેના સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં ટીબીની સારવાર વિનામુલ્યે અપાય છે.