(ફૈજાન ખત્રી ,છોટાઉદેપુર)
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તારીખ 29 મી જાન્યુઆરી 2023 ને સોમવારે દિલ્હી થી તાલ કટોરા સ્ટેડિયમ ખાતે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ સાથે સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સંવાદ કાર્યક્રમ થકી વડાપ્રધાન સાથે દેશના વિવિધ રાજ્યોના બાળકો અને વડાપ્રધાન વચ્ચે સીધો સંવાદ થયો હતો અને આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા અંગે મુંઝવતા પ્રશ્નો અંગે વાતચીત કરી હતી.આ કાર્યક્રમમાં વડાપ્રધાને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન તણાવ અને તણાવને દૂર કરવા માટેની ટીપ્સ આપી હતી.જેથી આવનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે આ કાર્યક્રમનું દિલ્હી ખાતેથી દેશભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું જેને નિહાળવા માટે દેશભરની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જે અંતર્ગત છોટાઉદેપુર નગરની નામાંકિત એસ.એફ. હાઈસ્કૂલ ખાતે પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવા માટેનું આયોજન છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકસભા સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જિલ્લા ભાજપા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા,જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના સભ્ય મુકેશભાઈ પટેલ,જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી છોટાઉદેપુર આનંદકુમાર પરમાર, જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષક ક્રિષ્નાબેન પાંચાણી, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ અને એસ.એફ.હાઈસ્કુલ આચાર્ય હિતેશભાઈ ચૌહાણ, શાળાના શિક્ષકો અને ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.