ભરૂચ,
ભરૂચ જીલ્લામાં વિવિધ એક્ષપ્રેસ હાઇવે સહિતના સરકારી પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ધરતીપુત્રોએ ભરૂચ જિલ્લા ખેડૂત સમન્વય સમિતિના નેજા હેઠળ વળતર વધારાના મુદ્દે પરિવારજનો સાથે રામધૂન સાથે કલેકટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી.
ભરૂચ જીલ્લા માંથી પસાર થતા દિલ્હી – મુંબઈ એક્ષપ્રેસ વે હાઈવે,બુલેટ ટ્રેન, ભાડભૂત બરેજ, ફ્રેઈટ કોરિડોર રેલ્વે પ્રોજેક્ટમાં ભરૂચ જીલ્લાના 40 થી વધુ ગામના જમીન ગુમાવનાર ખેડૂતો છેલ્લા કેટલાયે સમયથી વલસાડ અને નવસારીના અસરગ્રસ્ત ખેડૂતોને સમક્ષ વળતરની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.વારંવાર આવેદનપત્રો પાઠવવા સાથે રાજ્યકક્ષા તેમજ કેન્દ્ર માં રજૂઆત પણ કરી હતી.ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોસ્ટર કાર્ડ લખી પોતાની સાથે થયેલ અન્યાય બાબતે પોતાની વેદના પણ વ્યકર કરવા સાથે ચૂંટણી કાર્ડ પણ પરત કરી વિરોધ નોંધાવ્યો હતો.અસરગ્રસ્ત ખેડૂતો વારંવાર રજૂઆત અને આવેદનપત્ર આપ્યા બાદ પણ કોઈ હકારાત્મક નિર્ણય નહિ આવતા અસરગ્રસ્ત ખેડૂતો મંગળવારના રોજ પરિવારજનો સાથે જીલ્લા ક્લેક્ટર કચેરી ખાતે ઉમટી પડયા હતા.જેમાં જ્યાં હાથમાં બેનરો અને સૂત્રોચ્ચાર સહિત રામધૂન મચાવી કલેકટર કચેરી સંકુલ ગજવી મુક્યું હતું.જેથી પોલીસ કાફલો પણ દોડતો થયો હતો.અસરગ્રસ્ત ખેડૂતોએ વધુ એકવાર આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા સાથે આગામી લોકસભા ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ભરૂચના વિવિધ સરકારી પ્રોજેક્ટમાં જમીન વળતરના મુદ્દે ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે જે પાછળ રાજકીય નેતાઓ હોવાની આમ જનતામાં ચર્ચા ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હોદ્દેદારોએ જમીન ગુમવનાર અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા કરવામાં આવેલ આંદોલનને થાળે પાડવા માટે વળતરમાં વધારો કર્યો હોવાનો લોલીપોપ આપી વિધાનસભાની ચૂંટણી ટાણે ખેડૂતોએ ભોલાવ રેસ્ટહાઉસ ખાતે રાજકીય નેતાઓએ ખેડૂતોને મીઠાઈ ખવડાવી આંદોલનને થાળે પાડયું હતું.ત્યારે લોકસભાની ચૂંટણી આવતા જ અસરગ્રસ્ત ખેડૂતોએ પુનઃ આંદોલનનું શસ્ત્ર ઉગામી આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે.ત્યારે ચૂંટણીમાં મતદાનથી અસરગ્રસ્ત ખેડૂતો અળગા રહે છે કે પછી નિર્ણય આવે છે તે જોવું રહ્યું.