વાગરા,
વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં અજાણ્યા ચોર ઈસમો અંદાજીત દોઢ લાખ ઉપરાંતના કેબલની ચોરી કરી ફરાર થઈ જતા વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ ગત તારીખ ૧૨/૦૧/૨૦૨૪ના રોજ રાત્રીના સમયે પોણા બાર વાગ્યાથી તારીખ ૧૩/૦૧/૨૦૨૪ના રાત્રીના આશરે ચાર વાગ્યાના સમયગાળા દરમ્યાન સાયખા GIDC સ્થિત એક્ટીમો પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં ચોરીની ઘટના બની હતી.જેમાં રાત્રીના અંધારાનો લાભ લઈ તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.તસ્કરો કંપનીના પાછળના ભાગેથી દીવાલ કૂદી કંપનીમાં પ્રવેશ કરી કંપનીના પ્લાન્ટ એરિયામાં ખુલ્લામાં મુકેલ કોપર કેબલના ડ્રમ માંથી અંદાજીત ૩૯૦ મીટર જેટલો પૉલિકેબ કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૧,૪૨,૦૦૦ તથા આશરે ૩૪ મીટર જેટલો કોપર આર્મડ કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૫,૦૦૦ તથા અન્ય ૨૪૦ મીટર જેટલો કોપર કેબલ જેની અંદાજીત કિંમત રૂપિયા ૨૫,૦૦૦ મળી કુલ ૧,૭૨,૦૦૦ ના મુદ્દમાલની ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયા હતા.ચોરી અંગે કંપનીના મેનેજર સચીનભાઈ ઉમેશભાઈ પટેલનાઓએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વાગરા પોલીસે ફરિયાદ નોંધી ચોરોનું પગેરું શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સાયખાની એક્ટીમો કંપનીમાં તસ્કરો ત્રાટકી ૧.૫ લાખ ઉપરાંતના કેબલોની તસ્કરી કરી ગયા
- ચોરી અંગે કંપનીના મેનેજર સચીન પટેલે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તસ્કરોનું પગેરું મેળવવાની કવાયત હાથધરી