(જયશીલ પટેલ,ઝઘડીયા)
અયોધ્યામાં ભગવાન રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનો માહોલ સમગ્ર દેશમાં હાલ છવાયો છે અને ઠેર – ઠેર લોકો રામભક્તિના રંગમાં રંગાઇને મહોત્સવને ભક્તિભાવથી ઉજવવા વિવિધ ભક્તિસભર કાર્યક્રમોના આયોજન કરી રહ્યા છે. દેશમાં ઠેર – ઠેર શોભાયાત્રાઓના પણ આયોજન થતાં દેખાઈ રહ્યા છે.ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં પણ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠાના કાર્યક્રમ અંતર્ગત નગરમાં રામ ભક્તિનો માહોલ છવાયો છે.નગરના બજારો સહિતના વિવિધ માર્ગો લાઈટોની સજાવટથી રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા છે.રાજપારડી નગર રામમય બનીને પ્રાણપ્રતિષ્ઠાના પ્રસંગને આવકારવા સજ્જ બન્યું છે.અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત રાજપારડી નગરમાં તા.૨૨ મી જાન્યુઆરી ૨૦૨૪ નારોજ વિવિધ કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે.જે મુજબ બપોરે ૨ કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળશે,જે ડી.પી.શાહ વિધ્યામંદિરથી નીકળીને નગરમાં ફરીને કન્યાશાળાએ પહોંચીને સંપન્ન થશે.ઉપરાંત સાંજે ૫ કલાકે મહા આરતી યોજાશે અને ત્યારબાદ ૫.૩૦ કલાકે મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
અયોધ્યા ખાતે યોજાનાર મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને અનુલક્ષીને ઠેર – ઠેર મંદિરોમાં સફાઈ અભિયાન હેઠળ સફાઈ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીકના સારસા માતાના મંદિરે પણ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. આજરોજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનને સ્વીકારીને રાજપારડીના સારસા માતાના મંદિરે મંદિર પરિસરની સાફ-સફાઈ કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું.આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા તાલુકા પંચાયતના સદસ્ય રતિલાલ રોહિત સહિત મહેશભાઈ વસાવા,આશિષભાઈ ઝાલા,સારસા મંદિરના મહંત લાલાભાઈ,સંજયભાઈ વસાવા, વિક્રમભાઈ વસાવા સહિત અગ્રણીઓ તેમજ યુવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.કાર્યક્રમના અંતે રતિલાલ રોહિતે અયોધ્યા ખાતે યોજાનાર રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની વાત કરતા જણાવ્યું હતું કે ૨૨ મી તારીખે ઘરેઘરે દીપ પ્રગટાવીને દિવાળીની જેમ આ પ્રસંગની ઉજવણી કરવાની છે.આ પ્રસંગે તમામ સમાજ માથે મળીને આ પ્રસંગની ઉજવણી કરે તેવો અનુરોધ કર્યો હતો.