(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજે નર્મદા જિલ્લાના રાજપીપલા એડિશનલ સેશન્સ કોર્ટે ડેડીયાપાડા તાલુકાની એક આદિવાસી સગીરા સાથે પોતાની ઓળખ છુપાવી અપહરણ, બળાત્કાર સહિતના ગુના સબબ વિધર્મી આરોપી સગા બાપ-દીકરાને સખ્ત સજા ફટકારી છે.જેમાં આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણને ૧૦ વર્ષની. સખ્ત કેદની તથા રૂપિયા ૧૭,૦૦૦ દંડ તથા મદદગારી કરનાર તેના પિતા આરોપી શબ્બીર અમીર પઠાણને ૩ વર્ષની સખ્ત કેદની તથા રૂપિયા ૬,૦૦૦ દંડની સજા ફટકારી સમાજમાં એક ઉમદા દાખલો બેસાડ્યો છે.
મળતી માહિતી મુજબ ગુનાની હકીકત એવી છે કે, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ગત ૦૧/૦૪/૨૦૨૩ ના રોજ ભોગ બનનાર સગીરાના પિતાએ ફરિયાદ આપેલ કે તેમની દીકરી ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષા આપવા ગયેલ તે દરમ્યાન વિધર્મી આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણે તેણીને બોર્ડની પરીક્ષાનું છેલ્લું પેપર આપવા નહીં દઈને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કરી અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું અને આરોપીના પિતા શબ્બીર અમીર પઠાણ બન્ને રહે.અશોક નિવાસ,પ્રયોગશાળા પાછળ પોતાના પુત્રની મદદગારી કરી પોતાની પૌત્રીની ઉંમરની સગીરા સાથે શરીરના અલગ-અલગ ભાગે છેડછાડ કરી હતી.જે બાદ ડેડીયાપાડા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭ ૬(૨), (એન),૩૫૪ (એ) (૧) (આઈ) તથા પોક્સો એક્ટ કલમ ૪,૬,૧૭ તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧) (ડબ્લ્યુ), ૩(૨)(૫), મુજબ ફરિયાદ નોંધી હતી.
ગુનાની ગંભીરતા જોતા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ ગુનાની તપાસ એસ.સી/એસ.ટી.સેલના નાયબ પોલીસ અધિક્ષક મયુરસિંહ રાજપૂતને સોંપી હતી. પોલીસ અધિક્ષક સુંબેના માર્ગદર્શનમાં મયુરસિંહ રાજપૂત પોતાના સ્ટાફના ASI વિપુલ હિરુભાઈ તથા કોન્સ્ટેબલ નરેશભાઇ રતિલાલની ટીમ સાથે બન્ને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી સમગ્ર ગુનાની તપાસ વૈજ્ઞાનિક ઢબે કરીને ડીજીટલ, ફોરેન્સિક પૂરાવા મેળવી તેમજ ભોગ બનનાર તેમજ સરકારી પંચો તથા અન્ય સાહેદોના નિવેદનો આધારે રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટમાં નિયમોનુસાર સમયસર મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસની સુનાવણી નર્મદાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ એસ.એસ.સિદ્દીકીની કોર્ટમાં થઈ હતી, જેમાં તપાસ અધિકારી DYSP મયુરસિંહ રાજપૂત નાઓએ મજબૂત પુરાવા આધારિત તપાસ કરી સમય મર્યાદામા ચાર્જશીટ અને ફરિયાદી તર્ફે જિલ્લા મુખ્ય સરકારી વકીલ જે.જે.ગોહિલની ધારદાર દલીલોને ધ્યાને લઈને એડિશનલ સેશન્સ જજ એન.એસ.સિદ્દીકીએ આ કામના મુખ્ય ઈમ્તિયાઝ ઉર્ફે ભાવિન શબ્બીર પઠાણને ૧૦ વર્ષની સખ્ત કેદની તથા રૂપિયા ૧૭,૦૦૦ દંડ તથા મદદગારી કરનાર તેના પિતા આરોપી શબ્બીર અમીર પઠાણને ૩વર્ષની સખ્ત કેદની તથા રૂ.૬,૦૦૦.દંડ સજા ફરમાવી સમાજમાં દાખલો બેસાડતો ચુકાદો આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ બંને આરોપીઓ કે, જેઓ બરાબર જાણતા હતા કે ભોગ બનનાર આદિવાસી સગીરા હતી અને આરોપી બાપ-દીકરાએ સંબંધની તમામ મર્યાદાઓ ઓળંગી હતી ત્યારે આ ચુકાદો વાસ્તવમાં સમાજમાં દાખલો બેસાડે તેવો છે.આ ઉપરાંત નામદાર કોર્ટે ભોગ બનનાર સગીર વયની દીકરીને રૂપિયા ૫૦,૦૦૦ ચૂકવવા હુકમ કરેલ છે.