(સંજય પટેલ,જંબુસર)
આવતીકાલે પોષ સુદ બારસ વિક્રમ સંવત 2080 સોમવારને તારીખ 22/1/24 ના શુભદીને પ્રભુ શ્રીરામનું બાળ સ્વરૂપ નુતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલું નવું મંદિર,જેના ભૂતળ ના ગર્ભ ગૃહમાં તેની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે.જેને લઈ ભારતભરમાં ઠેરઠેર અભૂતપૂર્વ આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.દરેક ગામ, મોહલ્લામાં રામધૂન, હનુમાન ચાલીસા પાઠ ,સુંદરકાંડ રામ ભક્તો દ્વારા કરવામાં આવતા વાતાવરણ સાત્વિક લાગે છે. અને દરેક લોકો રામમય બની ગયા છે.ત્યારે આજે જંબુસર નગરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા નું આયોજન રામકબીર મંદિર ખાતેથી વીએચપી તેમજ બજરંગ દળ જંબુસર પ્રખંડ દ્વારા કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા પ્રારંભે વડોદરામાં બનેલ દુખદ ઘટનામાં મૃત્યુ પામેલા તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને બીએપીએસ સંતમંડળ જ્ઞાનવીર સ્વામી સહિત પધારી દીપ પ્રજવલન કરી ભગવાન રામજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી.આ પ્રસંગે વીએસપી દક્ષિણ ગુજરાત પ્રાંત પ્રચાર પ્રસાર પ્રમુખ વિરલભાઈ દેસાઈ, ગોવિંદ મોટા,ભુપેન્દ્રભાઈ પંચાલ, વિપુલભાઈ ગાંધી,શક્તિ પટેલ સહિત વીએચપી, બજરંગ દળ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનો ઉપસ્થિતો દ્વારા પ્રારંભ કરાયો હતો.
શોભાયાત્રા જંબુસર નગરના કાવા ભાગોળથી નીકળી લીલોતરી બજાર, ગણેશ ચોક, ઉપલીવાટ, કોટ બારણા, મુખ્ય બજાર, કંસારા ઢોળ,પટેલની ધર્મશાળા થઈ પરત મંદિર ખાતે પહોંચી હતી.શોભાયાત્રામાં ડીજેના તાલે રામ ભજન સાથે સંગીતના સથવારે રામ ભક્તો ઝુમી ઉઠ્યા હતા.જય જય શ્રી રામના નાદ શહેરના રાજમાર્ગો પર ગુંજતા થયા હતા.આ પ્રસંગે શહેર પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ જિલ્લા મંત્રી કૃપાબેન દોશી સહિત મોટી સંખ્યામાં રામભક્ત ભાઈ બહેનો જોડાયા હતા. શોભાયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જંબુસર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.