(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભગવાન રામલલ્લાની જન્મભુમી અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીની ઉપસ્થિતીમાં કરવામાં આવી.સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.એકતાનગર પણ રામભક્તિમાં લીન થયુ હતુ.દેશભરની સાથે એકતા નગરમાં પણ રંગેચંગે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.એકતા નગરના ગોરા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકત ઉપક્રમે નર્મદા નદીના ઘાટ પર વિશેષ નર્મદા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર દરરોજ સાંજે મા નર્મદાની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે, રામોત્સવની ઉજવણી પ્રસંગને યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગ-બેરંગી લાઈટ્સથી સજાવવામાં આવ્યો હતો.સાંજે 6.30 વાગ્યે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલ ભજનો શેર કર્યા હતા જે ભજનોમાંથી કેટલાક ચુનંદા ભજનો મહાઆરતીમાં રજુ કરવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.રામોત્સવમાં ખાસ નાંદોદ વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ,નાયવ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ, અધિક કલેકટ ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, નાયબ કલેકટ શિવમ બારીયા,દર્શક વિઠલાણી અને અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા.ખાસ આ પ્રસંગે એકતા મહિલા મંડળની આદિવાસી મહિલાઓ દ્વારા બનાવવામાં આવેલ પ્રસાદનું વિતરણ કરવામાં આવેલ હતું.
રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને એકતા નગર ખાતે મનાવાયો રામોત્સવ : નર્મદા ઘાટ પર થયુ ભવ્ય નર્મદા મહાઆરતીનું આયોજન
- નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં મેરે ઘર રામ આયે હૈ ની થઈ ભવ્ય પ્રસ્તુતિ - નર્મદા ઘાટ અદભુત રોશનીથી દિપાવ્યો