(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા એસટી ડેપોના બેદરકારી ભર્યા વલણના કારણે એસટી બસોમાં રોજિંદુ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ વેપારી વર્ગ તેમજ વિદ્યાર્થી વર્ગમાં ખાસી નારાજગી જોવા મળી રહી છે.
ઝઘડિયા તાલુકાના ૩૦ જેટલા સ્થાનિકોએ વિભાગીય નિયામક એસ.ટી ભરૂચને લેખિતમાં રજૂઆત કરી છે,તેમણે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકા જેવા વિસ્તારમાં નબળી નેતાગીના કારણે પ્રજાને બધી જ બાબતોમાં અન્યાય કરવામાં આવે છે, જેમાં શિક્ષણ આરોગ્ય રોજગારી તેમજ સૌથી વધુ અવર જવાનું એકમાત્ર સાધન એસટીમાં પણ આઝાદી સમયે જે રૂટ ઉપર બસ ચાલતી હતી તેમાં પણ ૫૦ ટકા રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે.જેના કારણે ગરીબ આદિવાસી પ્રજાને વધુ નાણા ખર્ચી જાનના જોખમે ખાનગી વાહનોમાં લટકીને મુસાફરી કરવી પડે છે.ભરૂચના એસટીના જવાબદાર અધિકારીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી,ઉલટાનું ઝઘડિયા ડેપોની કેટલીક બસો ડ્રાઇવર કંડક્ટર સહિત બહારના ડેપોમાં જેમકે ગાંધીનગર ફતેપુરા સુરત કે સૌરાષ્ટ્રમાં મોકલી દેવામાં આવે છે,ઘરના છોકરા ઘંટી ચાટે એવો ઘાટ આ અણગઢ અધિકારીઓ કરે છે, કોઈને નેતાઓને ગાંઠતા નથી,રજૂઆત કરવામાં આવે તો સ્ટાફ નથી,બસ નથી,આવક નથી જેવા બહાના બતાવવામાં આવે છે,સૌથી મોટું નુકસાન ઝઘડિયા તાલુકાના અંદરના ગામોમાંથી ભરૂચ ભણવા જતા વિદ્યાર્થીઓને થાય છે પરંતુ કોઈ સાંભળવાનું નથી,જેટલી ફ્રી પાસ આપવામાં આવે છે એના પ્રમાણમાં પણ બસ મૂકવામાં આવતી નથી.બીજી તરફ સરકાર તો પાસના નાણાં ચૂકવે છે તો આવક ક્યાં જાય છે! જંબુસર હાસોટ દહેજ સૌરાષ્ટ્ર અને ગાંધીનગર તરફ ૧૦ – ૧૫ મિનિટના અંતરે બસ મૂકવામાં આવે છે.બીજી તરફના રાજપારડી થી નેત્રંગ ભલોદ વેલુગામ જેવા અંદરના ગામોમાં જવા માટે કલાકોના કલાક સુધી કોઈ જ વાહન મળતું નથી જો ભરૂચ ડેપોમાંથી રાજપારડી નેત્રંગ વેલુગામ તરફ બસ સવારે ૯ કલાકે, ૧૧ કલાકે, ૧૩ કલાકે, ૧૪ કલાકે, ૧૭ કલાકે તેવી જ રીતે રાજપારડી થી ભરૂચ સવારે ૭ કલાકે, ૮ કલાકે, ૯ કલાકે, ૧૩ કલાકે, ૧૫ કલાકે, ૧૫ કલાકે તથા અંકલેશ્વર તરફ સવારે ૭ કલાકે, ૯ કલાકે, ૧૦ કલાકે, ૧૧ કલાકે અને સાંજે અંકલેશ્વર થી રાજપારડી ૧૬ કલાકે, ૧૭ કલાકે, ૧૮ કલાકે, ૨૦ કલાકે બસ ઉપાડવામાં આવે તો વિદ્યાર્થીઓ તથા જીઆઈડીસીમાં રોજગારી માટે તથા અન્ય નોકરી માટે જતા આવતા લોકોને ઘણી જ રાહત થાય તેમ છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે નેતાઓને સરકારી ગાડીમાં મફતની મુસાફરી કરવાની હોય તથા અધિકારીઓને પણ સરકારી ગાડીમાં ફરવાનું હોય પ્રજાની હાડમારીની પીડા ન સમજાવી સ્વાભાવિક છે! ભરૂચ ડેપોમાં રાજપીપળા તરફના મુસાફરો બસની રજૂઆત કરે છે તો ઉડાઉ જવા મળે છે કે રાજપીપળાથી બસ આવશે તે જ બસ પાછી જશે, અહીંથી કોઈ બસ જશે નહીં તો મુસાફરે ક્યાં જવું એ મોટો પ્રશ્ન છે, એક એક બસમાં ઓવરલોડ મુસાફરો ભરવામાં આવે છે છતાં કોઈ જોવા વાળું નથી, નેતાઓની જાહેર સભામાં મફતિયા ભેગા કરવા એસટીના ચાંપલા અધિકારીઓ ઉડાણના ગામડાઓમાં પણ બસો મુકવા દોડી જાય છે જ્યારે પ્રજાની મુશ્કેલી અધિકારીઓને દેખાતી નથી તેવી આક્રોશ પૂર્વક રજૂઆત વિભાગીય નિયામક એસ.ટી વિભાગ ભરૂચને સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.