ભરૂચ,
ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટની જીલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારતને ત્રણ વર્ષનો સમય વીતી ગયા બાદ ફરી લખીગામના અસરગ્રસ્તોએ મકાન નુકશાનીનું વળતર નહિ ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે કલેકટરને રજુઆત કરી છે.
ભરૂચ જીલ્લાની સૌથી મોટી ઔદ્યોગિક હોનારત ગત ૩ જૂન ૨૦૨૦ ને દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં સર્જાઈ હતી.ટેન્કર માંથી ટેન્કમાં કેમિકલ ઠાલવતી વખતે થયેલા ધડાકામાં ૧૦ કામદારોના મોત અને ૭૭ થી વધુને ઈજાઓ પહોંચી હતી.ધડાકો એટલો પ્રચંડ હતો કે નજીક આવેલા લુવારા અને લખીગામના મકાનોને પણ ભારે નુકશાન થયું હતું.તે સમયે આ બન્ને ગામ તંત્ર દ્વારા ખાલી કરાવવાની પણ ફરજ પડી હતી.ઘટનામાં NGT કોર્ટે લખીગામના અસરગ્રસ્તોને પણ વળતર આપવા કંપનીને હુકમ કર્યો હતો.જોકે ઘટનાના ત્રણ વર્ષ બાદ ૭૫ ટકા ગ્રામજનોને વળતર નહિ અપાયું હોવાનો આક્ષેપ કરાયો છે. લખીગામના સરપંચ,ડેપ્યુટી સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ કલેકટર કચેરી ખાતે ઉમટી પડી કોઈપણ ભેદભાવ વગર બાકી તમામ ગ્રામજનોને વળતર ચૂકવાઈ તેવી રજુઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.
જીલ્લાના અત્યાર સુધીના સૌથી મોટા બ્લાસ્ટમાં કોર્ટે મૃતકોને ૧૫ લાખ,ગંભીર ઈજામાં ૫ લાખ,અન્ય ઈજામાં ૨.૫ લાખ અને ઘરોને નુક્શાનીમાં ગ્રામજનોને ૨૫ હજાર ચૂકવવાનો હુકમ કર્યો હતો.તેમ છતાં હજુ કંપની દ્વારા વળતર નહિ ચૂકવાતા આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી અને જો ૨૪ દિવસમાં વળતર નહિ ચૂકવાય તો કલેકટર કચેરી સામે ધરણાં આંદોલનની ચીમકી અપાઈ છે.