(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગ્રાફિક્સ ક્ષેત્રે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરનાર નર્મદા જિલ્લાની સફળ યુવા ગ્રાફિક ડિઝાઈનર ઋજુતા જગતાપ દેશભરના મોટા ઈવેન્ટમાં પોતાના ગ્રાફિક ડિઝાઈનીંગ માટે લોકપ્રિય બની રહી છે. નર્મદાની ઋજુતા નામાંકિત કંપનીઓની ઈવેન્ટ્સ, મ્યુઝિક આલ્બમ તેમજ ટીવી-બોલિવૂડની જાણીતી હસ્તીઓ માટે ગ્રાફિક ડિઝાઈનીંગ કરીને લાઈમ લાઈટમાં આવી રહી છે.
નર્મદા જિલ્લાની ઋજુતા સુંદર કલ્પનો, આકર્ષક ફ્રેમીંગ, નવરંગી કૉન્સેપ્ટસ, તલસ્પર્શી સૂઝબૂઝ સાથે સતત સંઘર્ષ કરીને આજે સફળતાના શિખરો સર કરીને ગુજરાતની સફળ યુવા ગ્રાફિક ડિઝાઈનર તરીકે ખૂબ લોકપ્રિય બની છે.અત્યાર સુધીમાં 3000થી વધુ ડિઝાઈન તૈયાર કરનાર ઋજુતા વેડિંગ્સ, પ્રોડક્ટ, જવેલરી, લોગો અને પોસ્ટર ડિઝાઇનો તૈયાર કરી છે.
વર્ષ 2023 માં બોમ્બે ખાતે યોજાયેલી “આઈકોનિક ગોલ્ડ એવોર્ડ 2023 ઇવેન્ટમાં ઋજુતાની ડિઝાઈન ચર્ચાનો વિષય બની હતી.જ્યાં અનુપમ ખેર, કરણ કુંદરા, વિનીત કપૂર, હિના ખાન,દિયા મિર્ઝા જેવા મોટા કલાકાર-સેલિબ્રિટીઝ આવ્યા હતા.ઉપરાંત, ચાલુ વર્ષે ઈન્ડિયન આઈકોન એવોર્ડ 2024 ઈવેન્ટની પુરી ડિઝાઇન રૂજૂતાએ તૈયાર કરીને ખુબ લોકપ્રિય થઇ છે. જેમાં કાર્તિક આર્યન, સાનિયા મલહોત્રા, હિના ખાન, કિયારા અડવાણી, મનોજ બાજપાઈ, તેમજ ટીવી સેલિબ્રિટી સામેલ રહ્યાં હતા. વધુમાં વારાણસી ખાતે યોજાયેલી “સન બર્ન” મ્યુઝિક ફેસ્ટિવલની ડિઝાઈન પણ ઋજુતાએ તૈયાર કરી હતી.આજે દેશભરના મોટા ઈવેન્ટની ડિઝાઈનો તૈયાર કરી ખૂબ ટૂંકા ગાળામાં ગુજરાતની પ્રથમ સફળ યુવા ગ્રાફિક ડિઝાઈનર બની ગઈ છે.ઋજૂતા જગતાપે માધ્યમો સાથેના સંવાદમાં જણાવ્યું કે, મેં અત્યાર સુધી 3000 થી વધુ ગ્રાફિક ડિઝાઈનો તૈયાર કર્યા છે.વારાણસી ખાતે યોજાયેલ એવોર્ડ ફંકશન “કાશી યોદ્ધા ગૌરવ સન્માન” અને “ઈન્ડિયાઝ ટોપ મોડેલ “ની ઈવેન્ટની ત્રણેય સીઝનમાં ઈવેન્ટની ડિઝાઈન મેં તૈયાર કરી હતી.હવે નામાંકિત કંપનીઓ, ઓર્ગેનાઈઝર્સ પણ પોતાની ઈવેન્ટની ડિઝાઈન તૈયાર કરવા માટે મને પસંદ કરી રહ્યા છે.
તાજેતરમાં લોન્ચ કરાયેલા “બલમવા” મ્યુઝિક આલ્બમની પબ્લિસિટી ડિઝાઈનર તરીકે ઋજૂતા જગતાપનું નામ ZEE Music કંપનીના યૂટ્યૂબ પર મુકાયું છે જે નર્મદા જિલ્લા અને ગુજરાત માટે ગૌરવની બાબત છે.ઋજુતાએ વધુમાં જણાવ્યું કે, ગ્રાફિક ડિઝાઈનર એક મોડર્ન આર્ટ છે,પોતાની કલા અને ટેક્નિક્સથી કલરફૂલ દુનિયાને અદ્ભૂત બનાવવામાં સફળતા મેળવી શકાય છે, માત્ર સતત અને સક્રીય મહેનત જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઋજુતાના પિતા દીપક જગતાપ જાણીતા સાહિત્યકાર, વરિષ્ઠ પત્રકાર, વિજ્ઞાન લેખક અને અનેક એવોર્ડ વિજેતા છે.માતા જ્યોતી જગતાપ પ્રતિષ્ઠિત મહિલા અગ્રણી ઉપરાંત વોઈસ ઓફ નર્મદાના તંત્રી,જનકલ્યાણ સેવા ટ્રસ્ટના ચેરપર્સન અને મહિલા સુરક્ષા સમિતિના સદસ્ય છે. પત્રકારત્વ સાથે સંકળાયેલા આ પ્રતિષ્ઠિત પરિવારની દીકરી ઋજુતાએ પોતાના પંખ પ્રસરાવીને આકાશને આંબવા માટે એક ઉંચી ઉડાન ભરી છે.ઋજુતા નર્મદા જિલ્લા સહિત ગુજરાતના નવયુવાનો અને મહિલાઓ માટે રોલ મોડલ બની છે કહેવું ખોટું નથી.
ઋજુતા અંગ્રેજી મીડીયમમાં B.E (E.C) સ્નાતક થઈને ગ્રાફિક ડિઝાઈનિંગનો ડિપ્લોમા કરીને ગ્રાફિક્સમાં કેરિયર બનાવવાની શરૂઆત કરી.શરૂઆતી સંઘર્ષ બાદ ઋજુતાએ ગ્રાફિક ડિઝાઈનને પુરેપુરો સમય આપવાનું શરૂ કર્યું, મોડી રાત સુધી સતત કામ કરતી ઋજૂતાની નિત-નવી સ્ટાઈલિસ્ટ ડિઝાઈનો કંપનીઓને પસંદ આવવા લાગી.મોટી કંપનીઓના ઈવેન્ટની ડિઝાઇનનું કામ મળવાનું શરૂ થયું.ગુજરાતની સફળ યુવા અને સૌથી બીઝી ડિઝાઇનરે ગુજરાત સહિત નર્મદા જિલ્લાનું નામ રોશન કર્યું છે. ઋજુતાએ “સીટી શોર”ની કેલેન્ડર માટે મોડેલિંગ પણ કર્યું હતું અને 2013 ની “મિસ પ્રિન્સેસ” પણ રહી ચૂકી છે.
આ અંગે ઋજુતાએઆ ક્ષેત્રમાં આગળ વધવા માંગતા યુવા પેઢીને અને ખાસ કરીને યુવતીઓને માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે યુવામહિલાઓ માટે ગ્રાફિક ડિઝાઈનિંગમાં ખૂબ મોટી કારકિર્દી બનાવી શકાય તેમ છે.એમાં ખૂબ લગન, મહેનત અને સારુ કામ કરવાની તમન્ના હોય તો ચોક્કસ આ ક્ષેત્રમાં યુવક યુવતીઓનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકાય છે.