અંક્લેશ્વર,
અંકલેશ્વરના જુના કાંસીયા ગામની સીમમાં કેબલ બ્રિજ નજીક સરદાર બ્રિજથી એક કિલોમીટરના પટ્ટામાં નદી કિનારે રેતી ખનન થઈ રહ્યું હતું.આ મમાલે જાગૃત નાગરિકની ફરિયાદના આધારે અંકલેશ્વર મામલતદાર અને તેઓની ટીમે ફરિયાદના આધારે દરોડા પાડ્યા હતા.જેમાં સ્થળ પરથી બિનવારસી હાલતમાં અંદાજીત ૩૫ લાખનું હિટાચી મશીન મળી આવતા તેને જપ્ત કરી વધુ તપાસ હાથ ચલાવી હતી.
અંકલેશ્વર -ભરૂચને જોડાતા કેબલ બ્રિજ પાસે રેતી ખનનની બિન અધિકૃત ચાલતી પ્રવૃતિ સામે થોડા સમય પૂર્વે જ જિલ્લા ખાણ અને ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા.જે બાદ પણ ખનીજ માફિયાઓ નહિ અટકતા આ મામલે જાગૃત નાગરિકે અંકલેશ્વર મામલતદાર કચેરીમાં ફરિયાદ કરતા મામલતદાર કરણસિંહ રાજપુત તેમજ સ્ટાફ દ્વારા માહિતી આધારે સરદાર બ્રિજ નીચે સર્ચ ઓપરેશન હાથધર્યું હતું.આ કેબલ બ્રિજથી પશ્ચિમ દિશામાં રેતી અને માટી માફિયાઓએ અંદાજે એક કિલોમીટર સુધીના પટ્ટામાં ખનન કરી નાખ્યું હતું.જ્યાં સર્ચ કરતા ટીમને એક બિનવારસી હિટાચી મશીન મળી આવ્યું હતું.આ અંગે તંત્ર પાસે કોઈપણ જાતની લીઝ કે રોયલ્ટી લીધા વગર ચાલતા રેતી અને માટી ખનન પર તંત્રના દરોડા સાથે જ માટી અને રેતી ખનન માફિયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.તંત્રને સ્થળ પરથી એક પણ વ્યક્તિ મળી ન આવ્યો હતો.ટીમે સ્થળ પરથી બિનવારસી હાલતમાં એક હિટાચી મશીન જપ્ત કરી જિલ્લા ખાણ અને ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.જે બાદ ખાણ અને ખનીજ વિભાગે વધુ કાર્યવાહી હાથધરી હતી.