google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Monday, July 15, 2024
HomeGujaratસ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય : સરદાર સાહેબના સાનિધ્યમાં ૧૦મો આંતરરાષ્ટ્રીય...

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસર બન્યું યોગમય : સરદાર સાહેબના સાનિધ્યમાં ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાતા ૭૦૦ કરતા વધુ યોગસાધકોએ યોગસાધના કરી

- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર દુનિયા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવી રહી છે : અગ્નિશ્વર વ્યાસ - રાજપીપલાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ખાતે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કક્ષાના આંતર રાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી - જિલ્લાકક્ષાના કાર્યક્રમને સમાંતર આઈકોનિક સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી, તાલુકા અને શાળા - કોલેજોમાં પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી

(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની હોંશભેર ઉજવણી કરવામાં આવી હતી.
નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પોતાના પ્રેરક ઉદબોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે, યોગ પ્રત્યેક બિમારીનો ઉપચાર છે. આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારિરીક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે.યોગને જીવનમાં આત્મસાત કરવા માટે વ્યાસે યુવાધન સહિત સૌને આહ્વાન કર્યું હતું.સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરીસરમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈને ઘણી આનંદની અનુભુતી થઇ રહી હોવાનું ઉમેર્યુ હતું. વધુમાં તેઓએ ઉપસ્થિત તમામ ને યોગ તરફ આકર્ષાય તે માટે આહવાન કરતા જણાવ્યુ કે, યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી પ્રયાસોના કારણે આજે યોગને વૈશ્વિક ઓળખ મળી છે.
‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી માટે નર્મદા જિલ્લાના આઈકોનિક પ્રવાસન સ્થળ SOU-એકતાનગરનો પણ સમાવેશ કરાયો હતો.
આ વેળાએ બનાસકાંઠાના નડાબેટ ખાતેથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વીડિયો કોન્ફરન્સના ઓનલાઈન માધ્યમથી ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ ની ઉજવણી સંદર્ભે આપેલું પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું.
જ્યારે ૧૦ મા આંતર રાષ્ટ્રીય યોગ દિવસની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની રાહબરીમાં રાજ્યમાં પ્રખ્યાત રાજપીપલાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવી અને નાંદોદના ધારાસભ્યડો.દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સવારના સુપ્રભાતે ઉત્સાહ- ઉમંગ સાથે યુવા, વડીલ, શાળા કોલેજના બાળકો અને કર્મયોગીઓ દ્વારા ઉજવણી કરાઈ હતી.
જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં ઉપસ્થિત યોગ સાધકો, પોલીસના જવાનો, સ્વૈચ્છિક સંસ્થાના યોગ સાધકો, શાળાના બાળકો અને નાગરિકોને સંબોધતા નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગને વિશ્વ ફલક ઉપર લઈ જઈ દેશના દિર્ઘદ્રષ્ટા નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વના જન જનને આરોગ્યની ગુરૂચાવી આપી છે.તેના કારણે જ આજે સમગ્ર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે.યોગને આપણા જીવનનો એક ભાગ બનાવી રોગોને ભગાવી તંદુરસ્ત જીવન શૈલી અપનાવીએ તેમ ધારાસભ્યએ ઉમેર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!