ભરૂચ,
પાનોલી જીઆઈડીસીની આરએસપીએલ કંપનીમાં એકાએક આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં નાસભાગ મચી હતી અને આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા લશ્કરો ફાયર ટેન્ડરો લઈને પહોંચી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથધર્યા હતા તો વિવિધ વિભાગના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને તપાસ હાથધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર પાનોલી જીઆઈડીસીમાં હેઝાર્ડસ વેસ્ટનું રીસાયકલ કરતી આરએસપીએલ કંપનીના સ્ટોરેજ વિભાગમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી.આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.પરંતુ સ્ટોરેજ વિભાગમાં રાખેલો રાસાયણિક કચરો સળગી ઉઠયો હતો.બનાવની જાણ થતાં ફાયર વિભાગની ૮ ટીમો સ્થળ પર પહોંચી હતી અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.માલસામાનની હેરાફેરી કરતી હાઈડ્રોલીક ગાડીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળી હતી.આગને કાબુમાં લેવામાં આવે તે પહેલાં આગ સ્ટોરેજ વિભાગ સુધી પહોંચી ગઇ હતી.સ્ટોરેજ વિભાગમાં સંગ્રહ કરવામાં આવેલાં રાસાયણિક કચરામાં આગ ફેલાઈ જતાં ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં કામદારોમાં નાસભાગ મચી હતી.તો આગની જાણ ફાયર વિભાગને થતા વિવિધ જગ્યાએથી ૮ થી વધુ ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથધર્યા હતા.આગ લાગતાં કંપની માંથી તમામ કામદારોને બહાર સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા હતા. કંપની મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું હતું કે આગ સ્ટોરેજ વિભાગમાં હાઈડ્રોલિક ગાડીમાં શોર્ટ સર્કિટ થતા લાગી હતી.સ્ટોરેજ વિભાગમાં વિવિધ કંપનીના અલગ અલગ રાસાયણિક વેસ્ટ મટીરીયલ સ્ટોરેજ કરવામાં આવ્યું છે.જેન રીસાઈકલ કરી બાય પ્રોડક્ટ બનાવે છે. બનાવની જાણ થતાં મામલતદાર તથા ડીશ ટીમના સભ્યો પણ સ્થળ પર દોડી ગયા હતા.આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પરંતુ ત્રણ જેટલા કામદારોને ઈજા થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.