(જ્યોતિ જગતાપ,રાજપીપળા)
ભરૂચ લોકસભા ગુજરાતની તમામ ૨૬ લોકસભામાં સૌથી વધુ ચર્ચાસ્પદ કહી શકાય એવી બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા સામે ભાજપે સિનિયર અને દિગ્ગજ નેતા ૬ ટર્મથી ભરૂચ લોકસભા જીતતા આવેલા મનસુખ વસાવાને સાતમી વાર ટિકિટ આપી ને નવો ઈતિહાસ રચ્યો છે.ત્યારે આ બેઠકનો સર્વે જાણવો રસપ્રદ રહેશે
૪૦ ટકાથી વધુ મુસ્લિમ મત ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર ૧૯૫૭ થી ૧૯૮૪ સુધી કૉંગ્રેસનો દબદબો રહ્યો છે અને ત્યારબાદ ૧૯૮૯ થી ૨૦૧૯ સુધી ભાજપ ખૂબ સારા મતોથી કૉંગ્રેસની સામે જીતતો આવ્યો છે.જો છેલ્લી ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ભાજપના મનસુખ વસાવાને ૫૫.૪૭ ટકા મતો મળ્યા હતા.જ્યારે કૉંગ્રેસના શેરખાન પઠાણને માત્ર ૨૬.૪૦ ટકા મતો મળ્યા હતા.આ બેઠક પર ૧૯૮૯ સુધી માત્ર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ ચૂંટણી જંગ ખેલાતો રહ્યો છે.જોકે ત્યાર બાદ છોટુભાઈ વસાવાની પાર્ટી બીટીપી આવતા ત્રિપાંખિયો જંગ જોવા મળતો હતો.
ભરૂચ લોકસભાની બેઠક પર ૧૪ લાખ જેટલા મતદારો છે,જેમાં ૭.૩૪ લાખ પુરુષ મતદારો અને ૬.૮૨ લાખ મહિલા મતદારો હતા.ભરૂચ લોકસભા બેઠક હેઠળ સાત વિધાનસભા બેઠકો છે.જેમા ડેડિયાપાડા, જંબુસર,વાગરા,ઝઘડિયા,ભરૂચ,અંકલેશ્વર અને કરજણ વિધાનસભાઓ સામેલ છે.હાલમાં ડેડિયાપાડા સિવાય તમામ વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્ય છે.જ્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા ગત વિધાનસભા ૨૦૨૨ માં ચૂંટણી જીત્યા હતા.જોકે ભરૂચ વિધાનસભા ઉપરાંત તમામ બેઠકો પર આપ ત્રીજા સ્થાને છે,જ્યારે ભાજપ ખૂબ મજબૂત રીતે પ્રથમ સ્થાન પર છે અને બીજા સ્થાને કૉંગ્રેસ છે.
જો આપને મળેલા વોટની ટકાવારીની વાત કરવામાં આવે તો ભરૂચમાં આપને કુલ મતદાનમાંથી ૮.૪૫ ટકા મત મળ્યા હતા,જ્યારે કરજણમાં ૪.૩ ટકા, ડેડિયાપાડામાં ૫૫.૮૭ ટકા, જંબુસરમાં ૨.૦૮ ટકા, વાગરામાં નોટા કરતા પણ ઓછા ૧.૨ ટકા મત મળ્યા હતા,ઝઘડિયામાં ૯.૯૯ ટકા અને અંકલેશ્વરમાં 3.33 ટકા મત મળ્યા હતા.
અત્યાર સુધી કૉંગ્રેસ અહેમદ પટેલ પછી પણ આ બેઠક પર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપતી રહી છે, પરંતુ તે આ બેઠક જીતી શકી નથી. કૉંગ્રેસને એ વાતનો ખ્યાલ છે કે જો આદિવાસી અને મુસ્લિમ મતોનો સરવાળો થાય તો તેની જીતવાની સંભાવના વધી જાય.વળી, મુસ્લિમ મતદારોને પણ એ વાતનો ખ્યાલ છે કે તેમનો ઉમેદવાર અહીં જીતી શકતો નથી. આ પરિબળોને કારણે ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીના ફાળે બેઠક ગઈ હોય તેવું લાગે છે.
પરંતુ એક વાત સ્પષ્ટ છે કે ગુજરાતમાં જે કાયમ એકતરફી માહોલ રહેતો હતો એ હવે નહીં રહે અને ભાજપને સરવાળે વધુ મહેનત કરવી પડશે.”
આ બેઠક પર ચૈતર વસાવા હારી જશે તો ચૈતર વસાવાની કારકિર્દી પર પૂર્ણવિરામ લાગી જશે અને જીતી જશે તો તેમનું રાજકીય કદ વધી જશે.તો બીજી બાજુ મનસુખ વસાવા સાતમી વાર જો આ બેઠક જીતી જશે તો એક નવો ઈતિહાસ રચાશે અને મોટા કદના દિગ્ગજ નેતા તરીકે ઉભરી આવશે એમાં કોઈ શંકા નથી.