રાજ્યપાલએ દીક્ષાંત સંબોધન કરતાં જણાવ્યું હતું કે,સંસ્કૃત એ વેદોની ભાષા છે,દેવોની ભાષા છે. સંસ્કૃતમાં અભ્યાસ કરવો તે કોઈ હીનતા કે દીનતાની વાત નથી, પરંતુ ગૌરવની વાત છે. સંસ્કૃત એ તમામ ભાષાઓની જનની છે.આજે કમ્પ્યુટર પણ સંસ્કૃત ભાષા સૌથી સારી રીતે સમજે છે.રાજ્યપાલે વિદ્યાર્થીઓને પ્રેરણા આપતાં કહ્યું કે, સંસ્કૃત એ દરેક પ્રકારની સજ્જ ભાષા છે. એ રીતે તે ખજાનાથી પરિપૂર્ણ ભાષા છે.જે લોકો સંસ્કૃત નથી જાણતા તે અભાગી છે. ગાંધીજીની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજી કહેતા હતાં કે, હું સંસ્કૃત નથી જાણતો તેનો રંજ છે. જે સંસ્કૃતની મહત્તા દર્શાવે છે. રાજ્યપાલે યુનિવર્સિટી માંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ જ્યાં જળની જરૂર છે, ત્યાં જળસંરક્ષણ, જ્યાં વૃક્ષોની જરૂર છે,ત્યાં વૃક્ષારોપણ,જ્યાં દીન-દુખી લોકો છે,તેવા લોકોની સેવા, જ્યાં જમીન બંજર છે, ત્યાં પ્રાકૃતિક કૃષિ જેવા પ્રયત્નો દ્વારા સમાજસેવાના કાર્યો કરવા હાકલ કરી હતી.ધરતી પર આવ્યા છીએ તો એક ઈતિહાસ બનાવીએ, પરિશ્રમી અને તપસ્વી બનીએ.તેમજ રાષ્ટ્ર પ્રત્યેનો સમર્પણ ભાવ કેળવીએ તેવી અપેક્ષા રાજ્યપાલે વ્યક્ત કરી જિંદગી જિંદાદિલી કા નામ હૈ, મૂર્દા દિલ ક્યા ખાક જીયા કરતે હૈ તેમ કહી મેળવેલા જ્ઞાનને ઉત્સાહ, ઉમંગથી અન્ય લોકો સાથે વહેંચવા અને પોતાના વ્યક્તિત્વમાં રહેલા અનેક પાસાઓને ઉજાગર કરવાનો ભાવ વ્યક્ત કર્યો હતો.આપણા વેદ; ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદ સહિતના પરંપરાગત શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે. તેના પર તમામને ગર્વ થવો જોઈએ.આ એક ઋષિ – મનીષીઓની ભાષા છે. સંસ્કૃતના જ્ઞાતા તરીકે એ ભાષા આવડવાનો તમને ગર્વ હોવો જોઈએ.આપણી ગુરુકુળ પરંપરામાં પણ આ જ ભાષાનું અધ્યાપન અને અધ્યયન કરાવવામાં આવતું હતું. આજે પદવી મેળવીને જનારા વિદ્યાર્થીઓમાં જે ઉદ્દેશ્ય માટે તેઓ વિદ્યા મેળવવા માટે આવ્યા હતા.તે મેળવ્યાની સાર્થકતા જોઈએ.પદવી મેળવ્યા બાદ સમાજ અને દેશની અપેક્ષાઓમાં ખરા ઉતરવાનું તેમના પર દાયિત્વ છે. આ સિવાય આચાર્ય દેવો ભવ:, માતૃદેવો ભવ:, પિતૃદેવો ભવ: ની પરંપરાને આગળ નિર્વહન કરવાની જવાબદારી પણ તમારા પર છે. રાજ્યપાલએ આજના એક અખબારમાં આવેલી જામનગરના એક ખેડૂત યુવાનની વાત કહીને કઈ રીતે આ સામાન્ય ખેડૂતે પોતાની પત્નીના ખાડામાં પડવાના કારણે થયેલા મૃત્યુને એક કારણ બનાવીને સમાજના હિત ખાતર પોતાના ખિસ્સાના રુ.૨૧ લાખ ખર્ચીને પ્રદેશમાં પડેલા ખાડાઓને પૂરવામાં લાગેલો છે.તેની લાગણીસભર વાત કરી આ પ્રકારના જીવંત અને જવાબદાર નાગરિક બનવાની શીખ ઉપસ્થિત વિદ્યાર્થીઓને આપી હતી. આ તકે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનશેરિયાએ શુભેચ્છા સંદેશ પાઠવતાં વર્ચ્યુઅલી જણાવ્યું હતું કે, સંસ્કૃતિ જીવંત રાખવાનો ભગીરથ પ્રયાસ એટલે સંસ્કૃત.જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યુનિવર્સિટીનો પાયો નાખ્યો, ત્યારે એ દ્રષ્ટિથી પાયો નાખ્યો હતો કે સંસ્કૃતનું જતન એટલે સંસ્કૃતિનું જતન થાય. ભારતને વૈચારિક જરૂરિયાત આ વિદ્યાર્થીઓ દ્વારા જ પ્રાપ્ત થાય અને તેમનું જ્ઞાન સર્વત્ર ફેલાય એવી અભ્યર્થના આપી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહાએ શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું કે, સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયે સંસ્કૃતનું અદ્યાપન અને અધ્યયન કરીને રાષ્ટ્રની મોટી સેવા કરી છે. આજે જ્યારે આર્ટિફિશ્યિલ ઈન્ટેલીજન્સ, ડીપફેક વગેરે શબ્દ અસ્તિત્વમાં આવ્યા છે. ત્યારે વર્તમાનમાં સંસ્કૃતના વિદ્યાર્થીઓએ પણ સંસ્કૃત શાસ્ત્રના અભ્યાસુ હોવાની સાથે તમામ અભ્યાસ કરવો જરૂરી છે.સંસ્કૃત વિશ્ર્વવિદ્યાલયમાં વેદ, વેદાંગ, વ્યાકરણ, પુરાણ સહિતના વિષયોનું અધ્યયન અને અધ્યાપન ભારતીય પરંપરા મુજબ શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરાવવામાં આવે છે.વિવિધ ક્ષેત્રોમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ રાજ્ય સ્તરે અને દેશ સ્તરે યુનિવર્સિટીનું નામ રોશન કર્યું છે, તેની વિગતો આપી હતી. યુનિવર્સિટીના કુલસચિવ દશરથ જાદવે આભારવિધિ કરી હતી.સંસ્કૃત યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-૩૦૪, આચાર્ય (એમ.એ.)-૨૨૨, પી.જી.ડી.સી.એ.-૨૦૧, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-૫૪, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-૦૫ અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-૧૧ એમ કુલ ૭૯૭ ડીગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ પદવીદાન સમારોહમાં ૨૩ ગોલ્ડમેડલ (સુવર્ણ પદક) અને ૪ સિલ્વરમેડલ (રજત પદક) એમ કુલ ૨૭જેટલા પદકો પણ એનાયત કરવામાં આવ્યા હતા.આ સાથે વિશેષમાં શ્રી ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ, જૂનાગઢ તથા સંસ્કૃત યુનિવર્સિટી વચ્ચે થયેલ એમઓયુ અંતર્ગત દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાકરણ વિષયનાં સંસ્કૃત વિદ્વાન ડો. રાજેન્દ્ર પ્રસાદ શુક્લાને સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-૨૦૨૪ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.આ અવસરે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદભાઈ પટેલ, વિવિધ વિદ્યાશાખાના ડીન, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો ૧૬ મો પદવીદાન સમારોહ વેરાવળ ખાતે યોજાયો
રાજ્યપાલે યુનિવર્સિટી માંથી મેળવેલા જ્ઞાનનો ઉપયોગ જ્યાં જળની જરૂર છે,ત્યાં જળસંરક્ષણ,જ્યાં વૃક્ષોની જરૂર છે,ત્યાં વૃક્ષારોપણ,જ્યાં દીન-દુખી લોકો છે,તેવા લોકોની સેવા,જ્યાં જમીન બંજર છે,ત્યાં પ્રાકૃતિક કૃષિ જેવા પ્રયત્નો દ્વારા સમાજસેવાના કાર્યો કરવા હાકલ કરી