(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ભારતના ૭૫મા પ્રજાસત્તાક પર્વની નર્મદા જિલ્લા કક્ષાની ઉજવણી સાગબારા તાલુકા મથકે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં થશે. પ્રભારી મંત્રી રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપશે તે પૂર્વે કલેક્ટર શ્વેતા તેવતિયાની ઉપસ્થિતિમાં પૂર્ણ ગણવેશ રિહર્સલ યોજાયું હતું.
સાગબારા તાલુકા મથકે આવેલી નવરચના માધ્યમિક શાળાના પટાંગણમાં યોજાનારા આ કાર્યક્રમ વેળાં જિલ્લાની વિવિધ સુરક્ષા પાંખોના જવાનો દ્વારા પરેડની પ્રસ્તુતિ કરવામાં આવશે. વિવિધ શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે.જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા યોજનાકીય માહિતી આપતા ટેબ્લો પણ પ્રસ્તુત કરવામાં આવશે.વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધી હાંસલ કરનાર કર્મયોગીઓનું પ્રભારી મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવશે. કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોજાયેલા પૂર્ણ ગણવેશ રિહર્સલમાં કલેકટરે જરૂરી સૂચનો કર્યા હતા અને સમગ્ર ઉજવણી સૂચારુ રીતે દેશભક્તિના માહોલમાં થાય તેવું આયોજન કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
નર્મદા જિલ્લાકક્ષાનું ૭૫મું પ્રજાસત્તાક પર્વ સાગબારાની નવરચના હાઈસ્કૂલના પટાંગણમાં ઉજવાશે
- કલેક્ટરની ઉપસ્થિતિમાં પૂર્વ તૈયારીઓ અંગે પૂર્ણ ગણવેશમાં રિહર્સલ યોજાયું