(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા સુલતાનપુરા ખાતે હઝરત સુલતાનપીર બાવાની દરગાહ તેમજ હાજીપીર કયામુદ્દિન બાવાની દરગાહના વાર્ષિક ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગતરોજ તા.૧ લીના રોજ દરગાહ શરીફે સંદલ ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો.સાંજના સંદલ શરીફનું જુલુશ નીકળ્યું હતું જે ગામમાં ફરીને દરગાહ શરીફે પહોંચ્યું હતું.જ્યાં પરંપરાગત દરગાહ શરીફે સંદલ ચડાવવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે મોટામિયાં માંગરોલની ગાદીવાળા હઝરાતો દ્વારા તેમના અનુયાયીઓને ઘેરઘેર ગાયો પાળોનો ઉપદેશ આપવામાં આવતો હોય છે.મોટામિયાં માંગરોલની ગાદીવાળા હઝરાતો પૈકી હઝરત કયામુદ્દિન બાવાની દરગાહ શરીફ ઝઘડિયા મુકામે આવેલ છે.આજરોજ યોજાયેલ ઉર્સના કાર્યક્રમમાં હાજી કદિરુદ્દિન પીરજાદા,હાજી રફિકુદ્દિન પીરજાદા તેમજ પીર અરહમુદ્દિન બાવા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત અકિદતમંદોને આશિર્વાદ આપ્યા હતા.ઉપરાંત ઓલ ઈન્ડિયા ઉલમા મશાઇખ બોર્ડના ઉપપ્રમુખ હઝરત સૈયદ મોહમ્મદ અલી કાદરી તેમજ ખાનકાહે આલિયા કાદરીયા ડીસાના હઝરત સૈયદ હશનઅલી કાદરી પણ ઉપસ્થિત રહેનાર હોવાનું દરગાહ ટ્રસ્ટની એક યાદીમાં જણાવાયું હતું.આ સુફીસંતની દરગાહે દરવર્ષે વાર્ષિક ઉર્સની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.જેમાં ખુબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રધ્ધાળુઓ ઉર્સની ઉજવણીમાં ભાગ લે છે અને હઝરતની મુબારક દુઆઓનો લાભ લે છે. અત્રે યોજાયેલ બે દિવસીય ઉર્સના કાર્યક્રમમાં તા.૧ લીના રોજ તકસીમે લંગર,સંદલ શરીફનું જુલુશ તેમજ રાતના ભજનની મહેફિલ જેવા કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.જ્યારે આજરોજ તા.૨ જીના રોજ વાર્ષિક ઉર્સ મનાવાયો હતો અને મહેફિલે શમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝઘડિયા ખાતે યોજાયેલ દરગાહ શરીફના વાર્ષિક ઉર્સની ઉજવણીમાં ભાગ લેવા ઠેરઠેરથી હઝરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.ઉર્સ પ્રસંગે દરગાહ કમિટીના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત લોકોની સુવિધા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યા હતા.