ભરૂચ,
ભરૂચ જીલ્લામાં અનેક ઓદ્યોગિક વસાહતો આવેલી છે અને આ ઓદ્યોગિક વસાહતમાં કર્મચારીઓને અવરજવર માટે ખાનગી લકઝરી બસોનો ઉપયોગ થતો હોય છે અને ચાલકો પણ માટેલા સાંઢની માફક વાહનો દોડાવી અકસ્માતો સર્જતા હોય છે.ત્યારે આવો જ એક અકસ્માત શ્રવણ ચોકડી નજીકથી સામે આવ્યો છે.જેમાં બસ ચાલકે પુરઝડપે હંકારી શાકભાજીની લારી ધારકને અડફેટે લીધો હોવાનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે.
ભરૂચની નર્મદા ચોકડીથી દહેજ ઓદ્યોગિક વસાહતમાં દોડતી ખાનગી લકઝરી બસના ચાલકો કંપનીમાં કર્મચારીઓને લઈ વહેલા પહોંચવાની પેરવીમાં માટેલા સાંઢની માફક બસો દોડાવતા હોય છે અને ભૂતકાળમાં બસ ચાલકોને ૧૦૦ ની સ્પીડ ઉપર બસ ચલાવાનીને સમયસર કંપની ઉપર પહોંચવા માટેના ઓડિયો પણ વાયરલ થયા હતા.જેથી લકઝરી બસ ચાલકો માટેલા સાંઢની માફક બસો હંકારી અકસ્માતોને અંજામ આપી રહ્યા છે.ત્યારે ભરૂચની શ્રવણ ચોકડી નજીકથી બુધવારની સવારના રોજ શ્રીજી ટ્રાવેલ્સની લકઝરી બસના ચાલકે પોતાના કબ્જામાં રહેલી બસ માટેલા સાંઢની માફક પુર ઝડપે હંકારતા જ બસ ચાલકે રોડ ઉપરથી પસાર થતાં શાકભાજીની લારીધારકને અડફેટે લઈ રોડ ઉપર ફંગોળી મૂકતા શાકભાજી લારી ધારકને શરીરે ફેકચર થયા હતા રોષે ભરાયેલા લોકોએ બસના કાચ પણ ફોડયા હતા અને ઈજાગ્રસ્ત ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.બસ ચાલકે શાકભાજીના લારી ધારકને અડફેટે લીધો હોવાનો સીસીટીવી ફૂટેજ વાયરલ થયો હતો જેમાં બસ ચાલક જે રીતે પોતાની બસ હંકારે છે તે રીતે ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવા જરૂરી બન્યા છે.
ભરૂચ જીલ્લામાં વિપુલ પ્રમાણમાં ઉદ્યોગો સ્થપાયેલા છે અને આ ઉદ્યોગોમાં કર્મચારીઓની અવરજવર માટે ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોને વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને ખાનગી બસના ચાલકોને સમયસર પહોંચવા અને સ્પીડમાં બસ ચલાવવા માટે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા મજબૂર કરવામાં આવતા હોય જેના કારણે બસ ચાલકો પોતાની બસ પૂરઝડપે હંકારી અકસ્માતો સર્જી રહ્યા છે.ત્યારે અકસ્માતો ઉપર અંકુશ મેળવવા માટે ભરૂચ જીલ્લા ટ્રાફિક અને આરટીઓ વિભાગે સંકલનમાં રહી ઈન્ટરસેપ્ટર વાનથી સ્પીડ દોડતી લકઝરી બસો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો અકસ્માતો ઉપર અંકુશ લાવી શકાય તેમ છે.
બીજી બાજુ નર્મદા ચોકડીથી બાયપાસ ચોકડી સુધી અને દહેજ ઓદ્યોગિક વસાહત સુધી સંખ્યાબંધ ગામડાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળો આવેલા છે.છતાં ઉદ્યોગોમાં દોડતા ખાનગી લકઝરી બસો જાહેરમાર્ગો પરથી પુરપાટ ઝડપે નીકળતી હોવાના કારણે લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.ત્યારે ટ્રાફિકના નિયમોનું પાલન પોલીસ અને આરટીઓ વિભાગ કરાવે તે જરૂરી બન્યું છે.