(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પ્રથમવાર નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કનબુડી ગામની ૫૧ વર્ષીય આદિવાસી મહિલાને ૧૭ દિવસની સારવાર બાદ નવજીવન મળ્યું છે.જવલ્લે જ જોવા મળતી (Scrub Typhus)સ્ક્રબ ટાઈફસ નામની બિમારીનું નિદાન થયું હતું. સુરત નવી સિવિલમાં આ બિમારીનો પ્રથમ કેસ નોંધાયો હોવાનું હોસ્પિટલ તંત્ર તરફથી જાણવા મળ્યું હતું.
મળતી વિગતો મુજબ દેડીયાપાડાના કનબુડી ગામની મહિલાને દિવાળી પહેલા જંગલમાં સીતાફળ તોડતી વખતે કાનની નીચે જીવાતે ડંખ માર્યો હતો. તેનાથી શરૂઆતમાં કાનની નીચે તેમને સોજો આવ્યો હતો. માથામાં સખત દુઃખાવો થતા નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જયાં બે દિવસની સારવાર આપ્યા બાદ ત્યાંના તબીબોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવા જણાવતા પરિવારજનોએ તા.૧૭મી નવેમ્બરના રોજ નવી સિવિલમાં દાખલ કર્યા હતા. રીપોર્ટ કરાવતા તાવ, લીવર, કીડની અને ફેફસામાં સોજો હોવાનું નિદાન થયું હતું. તત્કાલ ડો.અશ્વિન વસાવાના માર્ગદર્શન હેઠળ ગૌરીબેનની સારવાર શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં શ્વાસ લેવામાં તકલીફના કારણે ૧૦ દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા ત્યારબાદ કિડનીની સારવાર માટે ચારથી પાંચ વાર ડાયાલિસીસ કરવામાં આવ્યું હતું. આમ નિયમિત દવાઓ અને તબીબોની મહામહેનતના કારણે મહિલા સંપૂર્ણ સ્વસ્થ થયા છે.
આ બિમારીનું કારણ જાણવા માટે સુરતની ખાનગી લેબમાં તપાસ કર્યા બાદ સ્ક્રબ ટાઈફસનો રિપોર્ટ NCDC, દિલ્હી ખાતે મોકલવામાં આવ્યો હતો. ત્યાંથી પણ રીપોર્ટ પોઝીટીવ આવતા આ સ્ક્રબ ટાઈફસ નામની બીમારી ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયા થતી હોવાનું જાણવા મળ્યું. આ જીવાણુ જુ આકારનું હોય છે જેને ચિગાર કહેવામાં આવે છે. જે કરડવાના કારણે આ બીમારી થતી હોવાનું નિદાન થયું હતું.
વધુ વિગતો આપતા નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું હતું કે, ઓરિએન્ટા સુસુગામુશી નામના બેકટેરીયાના કારણે થતી સ્ક્રબ ટાઈફસની ગંભીર બીમારી ધરાવતી મહિલાની સફળ સારવાર કરીને સ્વસ્થ કરવામાં આવી છે. જે જંતુ કરડવાના કારણે થાય છે.ખાસ કરીને ખેડુતોમાં આવી બિમારી જોવા મળે છે. સુરત સિવિલમાં પ્રથમ વાર આવી બિમારી સફળ નિદાન અને સારવાર કરવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.
વિગતે જોઈએ તો સ્ક્રબ ટાઈફસ એ એક નવી ઉભરતી ગંભીર પ્રકારની બીમારી છે જે ભારત દેશમાં મુખ્યત્વે ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે. આ બીમારી ઓરિએન્ટા સુસુગામુશી નામના બેક્ટેરિયાથી થાય છે. જીવાણુ જુ આકારનું હોય છે જેને ચિગાર કહેવામાં આવે છે. જ્યારે સંક્રમિત ચિગાર માણસ ને કરડે છે ત્યારે સ્ક્રબ ટાઈફસ થાય છે.સામાન્ય રીતે જીવાણુનું સંક્રમણ ચોમાસા પછી ભેજવાળા વાતાવરણમાં વધારે થાય છે. નદી નાળા ધોધ વગેરે ભીનાશ વાળી જગ્યાએ આ જીવાત વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ રોગમાં જીવાત કરડ્યા પછી સાતેક દિવસે તાવ, માથા નો દુખાવો, કમળો ઊલટી પેશાબ ઓછો થવો જેવા લક્ષણો જોવા મળે છે જીવાત કરડે ત્યાં એસ્કાર -સિગારના ડામ જેવું નિશાન જોવા મળે છે. આ રોગ મુખ્યત્વે કિડની, લિવર, ફેફસાં, હાર્ટ અને મગજ જેવા અવયવો પર અસર કરે છે. સારવાર ન કરવામાં આવે તો ૪૦ ટકા સુધી મૃત્યુદર જોવા મળે છે.
આમ નવી સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ મેડિસીન વિભાગના ડો.અશ્વિન વસાવા, ડો.વિતાન પટેલ, ડો.હર્ષદ આભલા,ડો.રિયા પટેલની ટીમ દ્વારા ગૌરીબેનને સારવાર આપીને સ્વસ્થ કર્યા હતા. જે બદલ તેમના પતિ દિનેશ વસાવા તથા બન્ને દીકરીઓએ ડોકટરો પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.