(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં મોબાઈલ ચોરીના વધતા જતા બનાવોથી તાલુકાની જનતામાં ચિંતા ફેલાવા પામી છે.થોડા સમય અગાઉ ઝઘડિયા નગરમાં આવેલ એક મોબાઇલની દુકાનમાં વેચાણ માટે રાખેલ નવા મોબાઈલોની મોટી સંખ્યામાં ચોરી થઇ હોવાની ઘટના બની હતી, અને આ ચોરીનો ભેદ હજુ વણ ઉકલ્યો છે ત્યારે તાલુકાના વિવિધ વિસ્તારોમાં કેટલાક રહીશોના વપરાશના મોબાઈલોની ઉઠાંતરીના બનાવો દિવસે દિવસે વધી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે.
મળતી વિગતો મુજબ ઝઘડિયાની એક મહિલા અને મુલદના એક ઇસમના મોબાઇલોની ચોરી થઈ હોવાની ઘટનાઓ બનવા પામી છે.ઝઘડિયા ખાતે રહેતા અને આંગણવાડીમાં નોકરી કરતા જશોદાબેન કંચનભાઈ સોલંકી ગત તા.૨૫ મીના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ઝઘડિયા એપીએમસી ખાતે ભરાતા સોમવારી હાટબજારમાં ખરીદી કરવા ગયા હતા, તે સમયે તેમનો મોબાઈલ ફોન શાકભાજીની થેલીમાં મુકેલ હતો,ત્યાર બાદ થેલીમાં જોતા મોબાઇલ ત્યાં હતો નહી.તેથી કોઈ ઈસમ નજર ચુકવીને થેલીમાં મુકેલ મોબાઈલ ફોન ઉઠાવી ગયો હોવાની ખાતરી થતા જશોદાબેને તા.૨૮ મીના રોજ ઝઘડિયા પોલીસ મથકમાં મોબાઈલ ચોરી સંદર્ભ ફરિયાદ લખાવી હતી. મોબાઈલ ચોરીની બીજી ઘટનામાં તાલુકાના મુલદ ગામે રહેતા ઠાકોરભાઈ પટેલ ન્યુઝ પેપર વિતરક હોવાથી દરરોજ મુલદ ચોકડી નજીકની હોટલ પર પેપરો લેવા માટે જાય છે.ગતરોજ તા.૨૯ મીના રોજ સવારના સાડા સાત વાગ્યાના અરસામાં તેઓ પેપરો લેવા હોટલ પર ગયા હતા,તે દરમ્યાન તેમનો મોબાઈલ ન્યુઝ પેપરો મુકવાના થેલામાં મુકેલ હતો.ત્યાર બાદ મોબાઈલ થેલામાં જણાયો નહતો,જેથી મોબાઈલ ફોન ચોરાયો હોવાની ખાતરી થતાં ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.તાલુકામાં વધી રહેલા મોબાઇલ ફોન ચોરીના બનાવોને લઇને જનતામાં ચિંતા ફેલાવા પામી હતી.
ઝઘડિયા તાલુકામાં વધતા જતા મોબાઈલ ફોન ચોરીના બનાવોથી જનતા ચિંતિત
- ઝઘડિયા હાટ બજારમાં ખરીદી કરવા ગયેલ મહિલાનો મોબાઈલ ચોરાયો તેમજ મુલદના ઈસમનો થેલીમાં મુકેલ મોબાઈલ ચોરાયો