(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાનાસાંજા ગામે ઘર નજીક બાંધેલ ત્રણ ભેંસો ચોરાઈ હોવાની ઘટના બનવા પામી હતી.
ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ નાનાસાંજા ગામે રહેતા કિશોરસિંહ ફતેસિંહ ચૌહાણને ત્યાં ત્રણ ભેંસો રાખેલ હતી.આ ભેંસોને તેઓ ઘરની આગળના ભાગે ખુલ્લી જગ્યામાં જમીનમાં રોપેલ ખીલા સાથે સાંકળથી બાંધતા હતા.દરમ્યાન ગત તા.૧ લીના રોજ આ ત્રણ ભેંસો ઘર નજીક ખીલા સાથે બાંધેલ હતી.ત્યાર બાદ સવારના પાંચેક વાગ્યાના સમયે કિશોરસિંહના પિતા ફતેસિંહ જાગીને ઘરની બહાર નીકળ્યા હતા ત્યારે ભેંસો જ્યાં બાંધેલ હતી ત્યાં જણાઈ નહતી.તેમણે આજુબાજુ ખેતરોમાં શોધખોળ કરવા છતાં ભેંસોની કોઈ ભાળ મળી ન હતી.ભેંસોનો કોઈ પત્તો ન મળતા કોઈ અજાણ્યો ઈસમ ભેંસો ચોરી ગયો હોવાની ખાતરી થઈ હતી.એક ભેંસની કિંમત રૂપિયા ૫૦,૦૦૦ લેખે ત્રણ ભેંસોની કુલ કિંમત રૂપિયા ૧,૫૦,૦૦૦ મુજબ આ ત્રણ ભેંસો ચોરી જનાર અજાણ્યા ચોર વિરૂધ્ધ કિશોરસિંહ ચૌહાણે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.એક સાથે ત્રણ ભેંસોની ચોરી થતાં ઝઘડિયા તાલુકાના પશુપાલકોમાં ચિંતા ફેલાવા પામી હતી.