(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના રાયસીંગપુરા પાટિયા પાસે એક હાઈવા ટ્રકના ડ્રાઈવરને માર મારી તેના ખિસ્સા માંથી રોકડા રૂપિયા ૩૦૦૦ બળજબરીથી કાઢી લીધા હોવાની ઘટના બનવા પામી છે.
ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ મુળ ઉત્તરપ્રદેશનો અને હાલ સુરત ખાતે રહેતો તબ્લન સાલીક બુધ્ધિરામ યાદવ નામનો યુવાન ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.તા.૧૦ મીના રોજ તબ્લન તેની હાઈવા ટ્રક લઈને સવારના સાત વાગ્યાના સમયે બોડેલી ખાતે ઓરસંગ નદીની રેતી ભરવા નીકળ્યો હતો.ત્યાર બાદ તે બોડેલીથી ટ્રકમાં રેતી ભરીને પરત આવી રહ્યો હતો અને રાજપીપલાથી અંકલેશ્વર વચ્ચેના ધોરીમાર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો.ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીક તવડી ગામના પાટિયાથી આગળ આવતા રાતના સવા આઠ વાગ્યાના સમયે એક મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઈસમોએ ટ્રકની ડ્રાઈવર સાઈડ તરફ આવીને ગાળો બોલીને ટ્રક ઉભી રાખવાનું કહ્યું હતું પરંતું ટ્રક ડ્રાઈવરે ટ્રક રોકી નહતી.ત્યાર બાદ બામલ્લાથી રાયસીંગપુરાના પાટિયા વચ્ચે આવતા અન્ય એક મોટર સાયકલ લઈને આવેલ એક ઈસમે ટ્રકની આગળ મોટર સાયકલ ઉભી કરી દઈને ટ્રક અટકાવી દીધી હતી.તે સમયે પાછળથી એક મોટર સાયકલ પર ત્રણ ઈસમો તેમજ બીજી એક મોટર સાયકલ પર બે ઈસમો ત્યાં આવી ગયા હતા.આ લોકો પૈકી કેટલાક ટ્રક પર ચઢી જઈને ડ્રાઈવરને મારવા લાગ્યા હતા અને આ દરમ્યાન એક ઈસમે ટ્રક ડ્રાઈવરના ખિસ્સામાં રહેલ રૂપિયા ૩૦૦૦ બળજબરીથી કાઢી લીધા હતા.એક ઈસમે તેના હાથમાં રહેલું કોઈ હથિયાર ટ્રક ડ્રાઈવરને માથામાં મારી દેતા તે ઈજાગ્રસ્ત થયો હતો.આ ટ્રક પાછળ આવતી અન્ય ટ્રકના ચાલક અનિલભાઈને પણ આ ઈસમોએ માર માર્યો હતો.જતા જતા આ ઈસમોએ પથ્થર મારીને ટ્રકનો આગળનો કાચ તોડી નાંખ્યો હતો.અન્ય ટ્રક ચાલક અનિલભાઈની મદદથી ઈજાગ્રસ્ત ટ્રક ચાલક તબ્લન યાદવને ઉમલ્લા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવાયો હતો.
આ ઘટના બાબતે લુંટ અને મારનો ભોગ બનેલ હાઈવા ટ્રકના ચાલક તબ્લન સાલીક બુધ્ધિરામ યાદવે ત્રણ મોટર સાયકલો પર આવેલ કુલ છ ઈસમો વિરૂધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.વધુમાં મળતી વિગતો મુજબ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ ટ્રક ડ્રાઈવરને માર માર મારી લુંટી લેનાર ઈસમોને ઝડપી લેવા કવાયત હાથ ધરવામાં આવી હતી.