આમોદ,
આમોદ નગર સહિત પંથકમાં આજ રોજ વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે પોલીસને સાથે રાખી રેડ કરી હતી.જેમાં કુલ ૪૦.૧૦ લાખની વીજ ચોરી પકડાઈ હતી.વીજીલન્સ ટીમે મીટર તેમજ સર્વિસ વાયરો સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આગળની કાર્યવાહી હાથધરી હતી.
આમોદમાં આજ રોજ વહેલી સવારે લોકો મીઠી નીંદર માણી રહ્યા હતા.ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વીજીલન્સ ટીમે આમોદ નગર સહિત આછોદ, મછાસરા, કેરવાડા,કોલવણા,રોઝાટંકારીયા ગામે દરોડો પાડી ૨૦૪૬ વીજ કનેકશન ચેક કર્યા હતા. જેમાં લંગર નાંખીને,અલગથી સર્વિસ વાયર નાખીને તેમજ મીટર સાથે છેડછાડ કરી વીજ ચોરી કરતા ૫૬ કેસ ઝડપી પાડવામાં આવ્યા હતા અને વીજ ચોરોને ૪૦.૧૦ લાખનો વીજ દંડ ફટકારવામાં આવ્યો હતો.આછોદ ગામે પાણીનો ફિલ્ટર વૉટર પ્લાન્ટ પણ વીજ ચોરીની ઝપટમાં આવ્યો હતો.દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બાવન વીજીલન્સ ટીમ સાથે પોલીસના ૬૦ થી વધુ પોલીસ જવાનો તેમજ ૧ નાયબ પોલીસ અધિક્ષક,૧ પી.આઈ.તેમજ ચાર પી.એસ.આઈ.પણ બંદોબસ્તમા જોડાયા હતા.વીજીલન્સ ટીમનો દરોડો પાડતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. વીજ કંપનીએ મીટર તેમજ સર્વિસ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.આમોદના જુનિયર ઇજનેર મનોજ શાહે જણાવ્યું હતું કે લોકો વીજ ચોરી કરતા અટકે માટે આ જ રીતે વીજ ટીમના અવાર નવાર દરોડા પાડવામાં આવશે.