(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના પડવાણીયા ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને રૂપિયા ૩.૨૫ લાખની કિંમતના સોનાચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
આ અંગે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ તાલુકાના પડવાણીયા ગામે પટેલ ફળિયામાં રહેતા મુકેશભાઈ અંબાલાલ પટેલની દિકરી વડોદરાના હરણી ખાતે રહે છે.જ્યારે તેમનો દિકરો તેની પત્ની સાથે કેનેડા રહે છે.મુકેશભાઈ ગત તા.૧ લીના રોજ ઘર બંધ કરીને પત્ની સાથે વડોદરા ખાતે દિકરીને ત્યાં ગયા હતા અને ઘરની ચાવી ફળિયામાં રહેતા અનવરભાઈ સિંધીને આપેલ હતી.દરમ્યાન તા.૧૫ મીના રોજ તેમના ખેતરમાં કપાસ વિણવા મજુરો આવેલ હોઈ પડવાણીયાના સુનિલ વસાવાએ કપાસ ક્યાં મુકવો તે બાબતે પુછવા મુકેશભાઈને ફોન કરતા તેમણે જણાવેલ કે અનવરભાઈને ત્યાં ચાવી આપેલ છે.ત્યાંથી ચાવી લઈને કપાસ ઘરમાં મુકજો એમ જણાવેલ હતું.ત્યાર બાદ થોડીવાર પછી સુનિલે મુકેશભાઈને ફોન કરી જણાવેલ કે ઘરના દરવાજાનું તાળુ તુટેલું છે.જેથી મુકેશભાઈએ પડવાણીયા ખાતે રહેતા તેમના ભાભીને ઘરમાં તપાસ કરવાનું કહેતા ઘરમાં ચોરી થઈ હોવાનું જણાયું હતું.જેથી મુકેશભાઈ અને તેમના પત્ની ઘરે પાછા આવ્યા હતા અને જોયું તો ઘરનો સામાન વેરવિખેર હતો અને ટીવી નીચે મુકેલ કબાટ ખુલ્લું હતું.કબાટમાં ચેક કરતા તેમાં મુકેલા સોનાચાંદીના દાગીના હતા નહિ.તપાસ કરતા જાણ થઈ હતી કે તસ્કરો સોના – ચાંદીના વિવિધ દાગીના મળી કુલ રુપિયા ૩,૨૫,૫૦૦ નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.ચોરીની આ ઘટના બાબતે ચોરીનો ભોગ બનેલ મકાન માલિક મુકેશભાઈ અંબાલાલ પટેલ રહે.પટેલ ફળિયું પડવાણીયા તા.ઝઘડિયાનાએ ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના બનાવો વધતા તાલુકાની જનતા ચિંતિત બની છે.ભુતકાળમાં પણ ઘરફોડ ચોરીની કેટલીક મોટી ઘટનાઓ બની હતી.જે પૈકી ચોરીની ઘણી ઘટનાઓના ભેદ હજુ વણઉકલ્યા રહ્યા છે.તાલુકાના અછાલિયા ગામે વર્ષો પહેલા રુપિયા ૨૫ લાખ જેટલા સોનાચાંદીના દાગીના સહિત રોકડ રકમનો મુદ્દામાલ ચોરાયો હતો અને ઘરના મોભીનું આને લઈને હાર્ટ એટેકથી મોત થયું હતું.વર્ષો વિતવા બાદ પણ આટલી મોટી ઘરફોડ ચોરીનો ભેદ હજુ વણઉકલ્યો રહ્યો છે.