(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના ઉમલ્લાથી પાણેથા જવાના માર્ગ પર બે મોટર સાયકલો અથડાતા કુલ ત્રણ ઈસમો ઈજાગ્રસ્ત થયા હતા.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા માંથી પસાર થતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાતા રહે છે.આ અકસ્માતો પૈકી ઘણા અકસ્માતો જીવલેણ પણ બનતા હોય છે.તા. ૮ મીના રોજ ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે રહેતા હરિહરભાઈ પરસોત્તમભાઈ દેસાઈ ગામમાં રહેતા તેમના મિત્ર ડમ્પીકકુમાર દિનેશભાઈ પટેલ સાથે મોટર સાયકલમાં પેટ્રોલ પુરાવવા વડિયા ખાતે ગયા હતા.હરિહરભાઈ મોટર સાયકલ ચલાવતા હતા.આ દરમ્યાન પાણેથાથી ઉમલ્લા જવાના રોડ પર વિજયયોગા આશ્રમ પાટિયા પાસે આવતા સામેથી આવતી એક મોટર સાયકલ તેમની મોટર સાયકલ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બન્ને મોટર સાયકલ સવાર ઈસમો રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. અકસ્માતમાં હરિહરભાઈને મોઢા તેમજ માથાના ભાગે ઈજા થઈ હતી.તેમજ તેમની સાથેના ડમ્પીકકુમારને પણ શરીર પર વત્તીઓછી ઈજા થઈ હતી.જ્યારે અન્ય મોટરસાયકલ ચાલકને પણ ઈજા થઈ હોઈ તેને સારવાર માટે ભરૂચ લઈ જવાયો હતો. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ હરિહરભાઈને અવિધા સરકારી દવાખાને પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.અકસ્માતની આ ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.