(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામ્ય માર્ગો પર છાસવારે સર્જાતા નાનામોટા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે.અકસ્માતોની વણથંભી પરંપરા યથાવત રહેતી હોય એમ આજે ગોવાલી નજીક બે વાહનો ટકરાતા ત્રણ જેટલી વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પ્રાથમિક વિગતો મુજબ એક ઈકો અને ફોર વ્હિલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
ઉલ્લેખનીય છે કે ચાર માર્ગીય બનાવેલા રોડ ઉપર કેટલાક સ્થળોએ એક સાઇડ ઉપર રોડનું કામ ચાલે છે,તેને લઈને બન્ને તરફના વાહનો એક તરફ ચાલે છે. એક જ સાઈડ ઉપર બંને તરફનો વાહન વ્યવહાર ચાલતો હોય સામસામે બે કાર ભટકાઈ હતી.અકસ્માતમાં ગાડીને મોટું નુકશાન થયું હતું.આ લખાય છે ત્યાં સુધી આ ઘટનામાં અત્યારસુધી કોઈ પોલીસ ફરિયાદ લખાઈ નથી.જોકે ચર્ચાતી વાતો મુજબ ઈજાગ્રસ્ત ત્રણ જેટલા ઈસમોને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથધરી હતી.ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવાયા હોવાનું જાણવા મળ્યું હતું.સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર છેલ્લા દસ દિવસમાં સાત જેટલા જીવલેણ અકસ્માત થવા પામ્યા છે અને આજના આ અકસ્માતે અકસ્માતોની પરંપરા યથાવત રહી હતી.ગોકળગાયની ગતિએ ચાલતું માર્ગનું કામ તાત્કાલિક પુર્ણ કરાય તે જરૂરી બન્યું છે.