(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં ધોરીમાર્ગ પર સર્જાતા અકસ્માતોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે.છાસવારે સર્જાતા અકસ્માતોમાં કેટલાક અકસ્માતોમાં પોલીસ ફરિયાદો નહિ થતી હોઈ આવી ઘટનાઓ પ્રકાશમાં નથી આવતી.આવી જ અકસ્માતની એક ઘટનામાં તાલુકાનાં નાના સાંજા નજીક એક ટ્રક ચાલકે એક બાઈકને અડફેટમાં લેતા બાઈક સવાર યુવક ઈજાગ્રસ્ત થયો હતો.
ઘટનાની મળતી વિગતો મુજબ મુળ મધ્યપ્રદેશનો રહીશ અને હાલ સુરત જિલ્લાના પિપલોદ ખાતે રહેતો વિકાસસિંગ મહેન્દ્રસિંગ નામનો યુવક ઈ – સર્વેલન્સનું કામ કરે છે.આ યુવક ગતરોજ તા.૧ લીના રોજ ઝઘડિયાના ભાલોદ ખાતે આવેલ બેન્કમાં ઈ – સર્વેલન્સના કામ માટે ગયો હતો. બપોરના બે વાગ્યાના સમયે બેન્કમાં કામ પતાવી તે પાછો ફરતો હતો.ત્યારે ગુમાનદેવથી આગળ જતા નાનાસાંજા ગામના બસ સ્ટેન્ડથી આગળ વળાંકમાં સામેથી આવતી એક ટ્રકના ચાલકે આ યુવકની મોટર સાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં મોટરસાયકલ ચાલક યુવક મોટર સાયકલ સહિત નીચે પડી ગયો હતો.અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો.આ અકસ્માતમાં બાઈક ચાલક યુવક વિકાસસિંગને શરીરના વિવિધ ભાગોએ ઈજાઓ થઈ હતી.અકસ્માતમાં તેની મોટરસાયકલને પણ નુકશાન થયું હતું.ઘટના સંદર્ભે ઈજાગ્રસ્ત વિકાસસિંગની ફરિયાદને લઈને ઝઘડિયા પોલીસે અકસ્માત સર્જી પોતાનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસર તપાસ હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં ધોરીમાર્ગ પર છાસવારે સર્જાતા અકસ્માતોને લઈને જનતામાં ચિંતા ફેલાઈ છે.મોટા ભાગના અકસ્માતો બેફામ દોડતી ટ્રકોના કારણે થાય છે,ત્યારે તંત્ર બેફામ દોડતા વાહનો પ્રત્યે લાલ આંખ કરે તે જરુરી બન્યું છે.
ઝઘડિયા તાલુકામાં અકસ્માતોની પરંપરા યથાવત : નાના સાંજા નજીક ટ્રકની અડફેટે સુરતનો યુવક ઈજાગ્રસ્ત
- ભાલોદની બેન્કમાં ઈ - સર્વેલન્સનું કામ પતાવી બાઈક સવાર યુવક પાછો ફરતો હતો ત્યારે ટ્રકની અડફેટે અકસ્માત સર્જાયો