ભરૂચ,
ઉત્તરાયણ પર્વમાં પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થતી હોય છે જે ઈજાગ્રસ્ત પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને તેનો જીવ બચી શકે અને કેવી રીતે સારવાર આપી શકાય તે માટે ભરૂચ સામાજીક વનીકરણ દ્વારા ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અવકાશી યુદ્ધનું પર્વ એટલે ઉત્તરાયણ,ઉત્તરાયણ પર્વ જેમ જેમનજીક આવી રહ્યું છે તેમ તેમ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી બાજુ પતંગની મજામાં દોરીથી નિર્દોષ પક્ષીઓ ઈજાગ્રસ્ત થતા હોય છે.જેના કારણે સરકાર દ્વારા કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવતી હોય છે.જેના ભાગરૂપે ભરૂચમાં પણ ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ૨૦૨૪ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.કરુણા અભિયાન હેઠળ પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે અને નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકાય તે હેતુ થી ભરૂચ સામાજીક વની કરણ વિભાગ દ્વારા ટ્રેનિંગનું આયોજન નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સામાજીક વનીકરણના ડી.સી.એસ ઉર્વશી પ્રજાપતિની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યું હતું.જેમાં
વન વિભાગના આર.એફ.ઓ,કર્મચારીઓ સહિત વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભરૂચ સામાજીક વનીકરણના ડીસીએફ ઉર્વશી પ્રજાપતિએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વ આવે એટલે ૧૦ થી ૨૦ જાન્યુઆરીના રોજ કરુણા અભિયાનનો પ્રારંભ થતો હોય છે.જે અંતર્ગત પતંગની દોરીથી ઈજા પામતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે,કેવા પ્રકારની સારવાર આપવી,ઉત્તરાયણ પર્વ દરમ્યાન તાલુકા અને જીલ્લાકક્ષાએ લોકોમાં જાગૃતિ આવે તે માટે રેલી યોજવામાં આવશે.ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ.તાલીમ યોજાઈ છે જેમાં વન વિભાગનો સ્ટાફ,વિવિધ જીવદયા સંસ્થાના આગેવાનો સહિત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા.વન વિભાગ દ્વારા હેલ્પ લાઈન નંબર ૮૩૨૦૦૨૨૦૦૨ જાહેર કરવામાં આવ્યો છે.જે નંબર ઉપર મેસેજ કરવાથી રેસ્કયુ સેન્ટર અને કલેક્શન સેન્ટરની માહિતી મળી રહેશે.
તાલીમ દરમ્યાન કામધેનુ ગૌરક્ષા સમિતિના આશિષ શર્માએ જણાવ્યુ હતું કે વન વિભાગ દ્વારા ઝાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના હોલમાં તાલીમ યોજાઈ હતી.જેમાં પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતાં પક્ષીઓને તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય,કેવી સારવાર આપી શકાય અને જરૂર પડે તો નજીકના રેસ્કયું સેન્ટરમાં લઈ જવામાં આવે સહિત વેટરનરી ડૉકટર સહિત તેમની ટીમ દ્વારા સારવાર આપવામાં આવશે.
ઉત્તરાયણ પર્વ જેમ જેમનજીક આવી રહ્યો છે તેમ તેમ પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અવકાશી યુદ્ધ માટે સજ્જ થઈ રહ્યા છે.પરંતુ પતંગની દોરીથી નિર્દોષ પક્ષીઓ ઈજાગ્રસ્ત થાય અને જીવ ન ગુમાવે તે માટે શહેર અને જીલ્લામાં ૨૦ કલેક્શન સેન્ટર અને ૧૦ રેસ્ક્યુ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.જ્યાં વન વિભાગ,જીવદયા પ્રેમીઓ,વેટરનરી ડોકટર સહિતનો સ્ટાફ હાજર રહેશે.