ભરૂચ,
ભરૂચ જિલ્લામાં આગામી તા.૭મી મે, ૨૦૨૪ ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે થનારી મતદાનની કામગીરી સુનિશ્વિત રીતે સુપેરે પાર પડે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાનાં માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓને તેમની ફરજના ભાગરૂપે તબક્કાવાર તાલીમનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આજરોજ ૨૨- ભરૂચ લોકસભા સંસદીય મતવિભાગ અને ૧૫૩- ભરૂચ વિધાનસભા મતવિભાગમાં ચૂંટણી સાથે સંકળાયેલા પોલીંગ ઓફીસરોની તાલીમનું આયોજન સરકારી ઈજનેરી કોલેજ ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ૧૧૫ પોલીંગ ઓફીસર, ૩૬૬ પ્રિસાઈડીંગ ઓફિસર અને ૪૩૯ આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસરની તાલીમ મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનિષા મનાણીના રાહબરી હેઠળ તાલીમ વર્ગો યોજાયા હતા. બે દિવસીય તાલીમના પ્રથમ દિવસે કુલ ૯૨૦ કર્મયોગીઓને તાલીમ આપવામાં આવી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી તુષાર સુમેરાએ સરકારી ઈજનેરી કોલેજ ભરૂચ ખાતે ચાલી રહેલાં ઉક્ત તાલીમ વર્ગોની મુલાકાત લઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પ્રિસાઈડીંગ ઓફિસરોને અપાઈ રહેલી તાલીમનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.આ પ્રસંગે,ભૂતકાળના સંસ્મરણો વાગોળી પ્રિસાઈડીંગથી લઈ આર.ઓ. સુધીના પ્રતિભાવો અને ઉદાહરણો આપી પ્રિસાઈડીંગ ઓફિસરોને પ્રોત્સાહિત કર્યો હતા.આ તબક્કે, તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લા ખાતે ૧૨૮૯૦ જેટલા કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાવાના છે.હાલ પાંચ વિધાનસભા વિસ્તારમાં સ્ટાફની ટ્રેનિંગ સારી રીતે થઈ રહી છે.ચૂંટણી પ્રકિયા દરમ્યાન સૌથી અઘરું કામ મેન પાવર મેનેજમેન્ટનું હોય છે.ત્યારે ચાલુ વર્ષે એસ.આર.વેલફેર હ્યુમન રિસોર્સ માટે ઈનોવેટીવ કામગીરી કરવા જઈ રહ્યા છે. વધારેમાં વધારે સગવડભર્યું વાતાવરણ પુરું પાડવા તંત્ર કટીબઘ્ઘ થનાર છે.ભરૂચ જિલ્લાનો તમામ ચૂંટણી સ્ટાફ સગવડતા અને સરળતાથી ચૂંટણીની કામગીરીમાંથી પસાર થાય તેવા વાતાવરણનું નિર્માણ કરી બનતી તમામ સવલતો પૂરી પાડવા કટીબધ્ધતા દર્શાવી હતી.
પ્રથમ તબક્કાના આ તાલીમવર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રિ-પોલ, પોલ-ડે અને આફ્ટર પોલ, EVM, VVPAT, રિસીવીંગ-ડિસ્પેચીંગ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જરૂરી જાણકારી સાથે સમજ અપાઈ હતી.દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે અંગે પણ આવા મતદારોને જરૂરી સુવિધા અને સહાયકની સેવા ઉપલબ્ધિ અંગે પણ જાણકારી અપાઈ હતી.તદ્ઉપરાંત તમામને EVM, VVPAT અંગે હેન્ડસ ઓન ચૂંટણીલક્ષી કામગીરી સબબ જાણકારી સાથે પ્રત્યક્ષ પ્રેક્ટીકલ નિદર્શન દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પણ પુરૂ પડાયું હતું. આ ચૂંટણીમાં મતદાન વખતે મતદારે ફોટો વોટર સ્લીપની સાથો સાથ ચૂંટણીપંચે સૂચવેલ વૈકલ્પિક અન્ય ૧૨ દસ્તાવેજી પુરાવાઓ પૈકી કોઇ એક પુરાવો પણ હવે રજૂ કરવાનો રહેશે તેની પણ સમજ અપાઇ હતી. ચૂંટણી ફરજ ઉપરના અધિકારીઓ/કર્મચારીઓને પોસ્ટલ બેલેટ-ઇડીસી દ્વારા મતદાન અંગે પણ માહિતગાર કરાયાં હતાં. પ્રિસાઈડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર માટે યોજાયેલા આ તાલીમ વર્ગમાં સુપરવાઈઝરી કામગીરી બાબતે ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ-કર્મચારીઓ માટે જુદા જુદા વૈદ્યાનિક ફોર્મની વિગતો ભરવા ઉપરાંત રજીસ્ટરમાં તેની નોંધણી, મોકપોલ, મતદાન પ્રક્રિયા, પૂર્ણ થયા બાદ EVM મશીન VVPAT સીલ કરીને તેના ડિસ્પેચીંગ સુધીની તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન પુરૂ પડાયું હતું.આ ચાલી રહેલા તાલીમ વર્ગમાં અધિક નિવાસી કલેક્ટર એન.આર.ધાંધલ, મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ભરૂચ મનિષા મનાણી,નાયબ ચુંટણી અધિકારી ડૉ.સુપ્રિયા ગાંગૂલી સહિતના અધિકારીઓએ મુલાકાત કરી તાલીમનું નિરિક્ષણ કર્યું હતું.
ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત સરકારી ઈજનેરી કોલેજ ભરૂચ ખાતે પોલીંગ સ્ટાફને અપાઈ તાલીમ
- લોકસભા સંસદીય અને વિધાનસભા મતવિસ્તારના ૩૬૬ પ્રિસાઈડીંગ અને ૪૩૯ આસિસ્ટન્ટ પ્રિસાઇડીંગ અને ૧૧૫ જેટલા પોલીંગ ઓફીસર સહિત કુલ ૯૨૦ ઓફિસરોનો યોજાયેલો પ્રથમ તાલીમ વર્ગ