(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામે મોબાઈલમાં સ્ટેટસ મુકવા બાબતે થયેલ ઝઘડામાં ગામનાજ ચાર ઈસમો સામે પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી.
ઉમલ્લા પોલીસ માંથી મળતી વિગતો મુજબ નાનાવાસણા ગામે રહેતા વિજયસિંહ કરણસિંહ રાજ (દરબાર) ખેતી ઉપરાંત ડીજે સાઉન્ડ સીસ્ટમનો ધંધો કરે છે.તા.૧૭ મીના રોજ તેમના મોબાઈલમાં ” મુછો અને દાઢી રાખવાથી કોઈ દરબાર નથી થવાનું અમારી મોજડીયોની નીચે હતા અને રહેવાના.લાગુબાગુ કોઇ નહિ વટથી કહું છુ તનેજ કહું છુ.” લખેલું મ્યુઝિક વિડિઓ સાથેનું સ્ટેટસ મુકેલું હતું.ત્યાર બાદ સાંજના સાતેક વાગ્યાના અરસામાં વિજયસિંહ ડીજે સાઉન્ડના ઓપરેટર નિસર્ગ પટેલ સાથે ડીજે નું ટેસ્ટિંગ કરતા હતા ત્યારે ગામના રાકેશ માછી,જતીન માછી અને કિરણ માછી હાથમાં લાકડાના ડંડા લઈને અને કિશન માછી હાથમાં લોખંડનું ધારિયું લઈને આવ્યા હતા. અને મોબાઇલમાં મુકેલ સ્ટેટસની રીશ રાખીને ગાળો બોલવા લાગ્યા હતા.જેથી વિજયના મોટાભાઈ અજયે આ લોકોને ગાળો બોલવાની ના પાડતા તે લોકો ઉશ્કેરાઈ ગયા હતા અને તમે બહુ ફાટી ગયા છો અને ગામના છોકરાઓને ઉશ્કેરો છો,તેમ કહીને ઝપાઝપી કરવા લાગ્યા હતા.તે વખતે ત્યાં આવેલ વિરેન્દ્રસિંહ રાજ છોડાવવા વચ્ચે પડતા તેને લાકડાનો સપાટો માર્યો હતો.આ ઝઘડા દરમિયાન વિજયને માથાના ભાગે ધારિયું અછડતું વાગી જતા લોહી નીકળવા લાગ્યું હતું.આ ઝઘડા દરમ્યાન ઈજાગ્રસ્ત થયેલ વિજય તેમજ વિરેન્દ્રને સારવાર માટે ઉમલ્લા સરકારી દવાખાને લઈ જવાયા હતા.ત્યાર બાદ રાજપિપલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા અને વધુ સારવાર માટે વડોદરા ખાતે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ સંદર્ભે વિજયસિંહ રાજે રાકેશ રમણભાઈ માછી,જતીન કંચનભાઇ માછી,કિરણ ઠાકોરભાઈ માછી તેમજ કિશન કંચનભાઈ માછી તમામ રહે.ગામ નાનાવાસણા તા.ઝઘડિયાના વિરૂધ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
ઝઘડિયાના નાના વાસણા ગામે મોબાઈલમાં સ્ટેટસ મુકવાની વાતે ઝઘડો
- ગાળો બોલી માર મારતા ચાર ઈસમો સામે પોલીસમાં ફરિયાદ