ભરૂચ,
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા પ્રસ્થાપિત જન શિક્ષણ સંસ્થાન ભરૂચ તથા જિલ્લા વહિવટીતંત્ર ભરૂચ દ્વારા આગામી લોકસભા ચૂટંણી અંગે સમગ્ર જન સમુદાયમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે માટેના અભિયાનની શુભ શરૂઆત વરિષ્ઠ કેળવણીકાર, અત્રેના બોર્ડ મેમ્બર કે.કે.રોહિતનાં અધ્યક્ષસ્થાને અત્રેના મધ્યસ્થ હોલ ખાતે યોજાયો.આ પ્રસંગે નિયામક ઝ્યનુલ આબેદીન સૈયદે તા.૦૩/૦૪/૨૦૨૪ થી ૨૪/૦૪/૨૦૨૪ દરમ્યાન જિલ્લાનાં વિવિધ સ્થળોએ યોજાનાર પોસ્ટર સ્પર્ધા, નિબંધ, વકતૃત્વ, રંગોલી જેવી સ્પર્ધાઓની માહિતી આપી તથા સંસ્થાના સબ સેન્ટરો ખાતે ઉપરોકત કાર્યક્ર્મો સાથે રેલી અને પ્રભાત ફેરી યોજવામાં આવશે તેનો ચિતાર રજુ કર્યો હતો. મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી.
જિલ્લા શિક્ષણાધિકારીના પ્રતિનિધિ શિક્ષણ નિરીક્ષક જીજ્ઞેષ પટેલે જણાવ્યું કે આપણે મતદાન જાગૃતિ કેળવી લોકોનું લોકો માટે અને લોકો દ્વારા થતું કાર્ય સાર્થક કરીએ અને આગામી લોકશાહી પર્વ તરીકે નિયત કરેલ સમયમાં ઉજવવાનું ભૂલીએ નહીં. આપણો મતદાનનો અધિકાર છે મતદાન કરિશું અને કરાવીશું જે લોકશાહીનો આધાર સ્તંભ છે. પ્રથમવાર મતદાન કરનાર શ્રોતાજનોને તેમણે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
અધ્યક્ષ સ્થાનેથી કે.કે.રોહિત સાહેબે જણાવ્યું કે આપણે દીપ પ્રાગટયથી શરૂઆત કરીએ છીએ એટલે અંધકારને દુર કરી પ્રકાશ પાથરીએ છીએ.આપણે સ્વમને, સ્વેચ્છાએ કોઈનાથી ડર્યા વગર હિંમતથી પોતાના મતનો સદઉપયોગ કરીશું. લોભ લાલચ વગર નાત, જાત, ધર્મ, જ્ઞાતિ કે ભાષા ભેદભાવ વગર મતદાન કરીને આપણી લોકશાહીને જીવંત રાખીશું જરૂર જણાયતો ઉમેદવારોને લોકસેવાકીય કાર્યો અંગે પ્રશ્નાર્થ પણ કરીશું. કારણકે તેઓ પ્રજાની સેવા માટે જ ચૂંટણીમાં ઝંપલાવે છે.તો સૌ પોતાના મતનો ઉપયોગ કરે તેવી અભ્યર્થના સેવી હતી.
અંતમાં સૌએ સાથે મળીને મતદાન અંગે પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.