(જયશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બાવાગોર દાદાની દરગાહનો વાર્ષિક ઉર્સ તા.૨૩ મીને મંગળવારના રોજ મનાવવામાં આવશે.
પ્રાપ્ત વિગતો મુજબ તા.૨૨ મીને સોમવારના રોજ સાંજના ૪ વાગ્યે રતનપુર ગામેથી સંદલ શરીફ નીકળીને દરગાહ શરીફે જશે અને ત્યારબાદ પરંપરાગત દરગાહ શરીફે સંદલ ચઢાવાશે.તા.૨૨ મીએ રાત્રે સીદી ધમાલનો કાર્યક્રમ યોજાશે અને બીજા દિવસે તા.૨૩ મીને મંગળવારના રોજ વાર્ષિક ઉર્સની ઉજવણી કરાશે.હઝરત બાવાગોર દરગાહના હાલના ગાદી વારસ હઝરત જાનુબાપુની ઉપસ્થિતિમાં ઉર્સ મનાવાશે.ઉલ્લેખનીય છે કે ૮૦૦ વર્ષ જુની હઝરત બાવાગોરની દરગાહ ભારતભરના પ્રસિદ્ધ યાત્રાધામોમાં સ્થાન ધરાવે છે અને આ દરગાહે ભારતભર માંથી લોકો દરગાહના દર્શનાર્થે આવે છે.આ સ્થળે વર્ષમાં બે વાર ભવ્ય મેળાઓ યોજાય છે.જેમાં ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે દરગાહનો ચસ્મો (પાણીનો કુંડ) વધાવવાના દિવસે ભરાતો મેળો તેમજ દરગાહના વાર્ષિક ઉર્સની ઉજવણી પ્રસંગે ભરાતા મેળાનો સમાવેશ થાય છે.બાવાગોર આવવા માટે રાજપારડી અને ઝઘડિયાથી વાહનોની સગવડ મળે છે.