google.com, pub-4874237707233099, DIRECT, f08c47fec0942fa0

Tuesday, June 25, 2024
HomeGujaratવાગરા : સાયખાની એરિસ કલરકેમ કંપનીમાં કામદારનો જીવ લેવાયો?

વાગરા : સાયખાની એરિસ કલરકેમ કંપનીમાં કામદારનો જીવ લેવાયો?

- કંપનીમાં કામ કરતા કામદારોની સેફ્ટી પર ઉઠ્યા સવાલો : માત્ર અકસ્માતે મોતનો ગુનો નોંધી ચોપડા બંધ થશે?

ભરૂચ,

વાગરા તાલુકામાં આવેલ સાયખા જીઆઈડીસીમાં કાર્યરત એરિસ કલરકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રિએક્ટરમાં બ્લાસ્ટ થતાં એક કામદાર મૃત્યુ પામતા કંપનીની સેફ્ટી પ્રત્યેની બેદરકારી છતી થઈ હતી. ઔદ્યોગિક વસાહતમાં છાશવારે સર્જાતી અનેકો ઘટનાઓમાં સેંકડો નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. જે ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં કાર્યરત દહેજ, વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં ધમધમતા ઉદ્યોગોમાં કામદારોના જીવની જાણે નિલામી થઈ રહી હોય તેમ પ્રતિત થઈ રહ્યુ છે.સેફ્ટી અને સુરક્ષા પ્રત્યેની લાપરવાહી અને કેમિકલ ગેસ લાગવાના કારણે અનેકો કામદારો જીવ ગુમાવે છે અને મૃતકોના જીવની અમુક લાખ રૂપિયા કિંમત નક્કી કરી મામલો રફેડફે કરવામાં આવતો હોય છે.કરોડો રૂપિયા કમાવવામાં લાગેલા ઉદ્યોગો અને ઉદ્યોગકારો ઉપર કાર્યવાહી કરી કામદારોના જીવની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં તંત્ર પણ નિષ્ફળ નિવડી રહ્યું હોવાની વાત પંથકના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહી છે.સાયખા જીઆઈડીસીમાં આવેલ એરિસ કલરકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં એક કામદારનો વેલ્ડિંગ કરતી વેળાએ ભોગ લેવાયો હોવાની માહિતી વાગરા પોલીસ સૂત્રો પાસેથી મળી આવી હતી.સમગ્ર ઘટના સંદર્ભે મળેલ વિગતમાં જણાવાયું હતું કે ગત ૧૮ મી મે ૨૦૨૪ ના રોજ સવારના ૮ વાગ્યાની આસપાસ કંપનીમાં રી-બોઈલર ૨ નંબર પાસેના રિ-એક્ટર વેસલમાં પંચર થતાં તેને રિપેર કરવા માટે શીવાકા એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટના ૨ કામદારો નામે નરવત ભાઈ પટેલીયા અને ફિરોઝ આલમ આવ્યા હતા.રીપેરીંગ માટે રિ-એક્ટરની અંદર નરવત પટેલીયા ઉતર્યા હતા.જ્યારે ફિરોઝ આલમ બહાર ઉભા હતા.આ દરમ્યાન અંદાજે સવારે ૧૧ થી સાડા અગીયાર વાગ્યાની આસપાસ રિ-એક્ટરમાં પ્રચંડ ધડાકો થયો હતો. જેનો અવાજ આસપાસ ગુંજી ઉઠ્યો હતો.કંપનીમાં કામ કરતા માણસો અવાજ સાંભળી બનાવ વારી જગ્યાએ દોડી આવ્યા હતા. રિ-એક્ટરનું કામ કરતા ફિરોઝ આલમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.જ્યારે રિ-એક્ટરની અંદર ઉતરેલ નરવતભાઈ પટેલીયા ગંભીર રીતે દાઝતા તેઓ બેહોશ થઈ ગયા હતા.ઘટનાને પગલે બંનેને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જે પૈકી નરવત ભાઈ પટેલીયા મૃત્યુ પામતા અરેરાટી વ્યાપી ગઈ હતી.કંપનીમાં સેફ્ટીનો અભાવ અને કોઈપણ જવાબદાર વ્યક્તિ હાજર નહિ હોવાનું પણ સૂત્રો થકી માલૂમ પડતાં અનેક પ્રશ્નો ઉદ્દભવી રહ્યા છે.

સાયખા જીઆઈડીસીમાં નિશાન ભારત રસાયણ કંપનીની બાજુમાં આવેલ આ એરિસ કલરકેમ પ્રાઈવેટ લિમિટેડ કંપની અવાર નવાર વિવાદમાં આવી છે. કંપની દ્વારા છોડાતાં કેમિકલથી ખેતીને નુકશાન તેમજ સ્થાનિક રહીશોને પણ પરેશાની વેઠવી પડતી હોવાનો બૂમો ઉઠી હતી.હાલમાં પણ કંપનીની ચારેય બાજુની દીવાલોની ધારમાં લાલ કલરનું કેમિકલ પ્રવાહી જોવા મળે છે.ઉદ્યોગ સ્થાપી મબલક રૂપિયાની કમાણી કરતા ઉદ્યોગકાર સુકુનની ઝીંદગી જીવતા હોય છે.પરંતુ તેઓ દ્વારા થતી બેદરકારીના કારણે નિર્દોષ સામાન્ય કામદારોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. આવી અનેકો ઘટનાઓમાં માત્ર અકસ્માતનું કારણ દર્શાવી ચોપડા બંધ કરી દેવામાં આવે છે અને કોઈની પણ જવાબદારી સુનિશ્ચિત થતી ન હોવાની ચર્ચાઓ પણ પંથકના જાગૃત નાગરિકો માંથી જોરસોરથી ઉઠી રહી છે.કેટલાક બેફામ બનેલા ઉદ્યોગકારો ફેક્ટરી ઈન્સ્પેક્ટર,જીપીસીબી અધિકારી,લેબર કમિશ્નર તેમજ સ્થાનિક વહીવટી તંત્રના મોઢા દબાવવા માટે મોટા રૂપિયા આપતા હોવાના આક્ષેપોની લોકચર્ચા પણ છુપી નથી.આવી ઘટનાઓ તંત્ર સુધી ન પહોંચે તે માટે પણ ઉદ્યોગકારો દ્વારા ઢાંકપિછોડો કરવામાં આવતો હોય છે.એરિસ કંપનીમાં બનેલ આ ઘટનાને લઈને પોલીસ તંત્રને પણ મોડેથી જાણ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.તેમ છતાં ઉદ્યોગકારો સામે કોઈ ઠોસ કાર્યવાહી થઈ શકી નથી. 

ઘટના અંગે વિગત જાણવા કંપનીના જવાબદારોનો સંપર્ક કરવામાં આવ્યો તો પ્રથમ કાંતિલાલ ઈશ્વરલાલ પટેલ દ્વારા અનેક ફોન કરવા છતાંય કોઈ રિસ્પોન્સ આપવામાં આવ્યો ન હતો અને ત્યાર બાદ હિતેશ પટેલનો સંપર્ક સાધવામાં આવતા તેઓ પણ જવાબદારી માંથી છટકી ગયા હતા.સેફ્ટી પ્રત્યે બેદરકારી દાખવતા આવા ઉદ્યોગકારો સામે કડક કાર્યવાહી કરી ક્લોઝર નોટિસ આપવામાં આવે તો અનેક લોકો ગંભીરતાથી આ મુદ્દાને લઈને સેફ્ટી અને સુરક્ષા પ્રત્યે જવાબદાર બની શકે તેમ છે.જેથી આવી અનેક ઘટનાઓથી બચી શકાશે અને અનેક નિર્દોષોના જીવ પણ બચી શકે તેમ છે.જેમના જીવની કિંમત અમુક લાખ આંકી લઈને ઉદ્યોગકારો બચી નીકળે છે. આ ઘટનામાં ફેક્ટરી ઈન્સ્પેક્ટર અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે હવે જોવાનું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!