ભરૂચ,
વાગરા પંથકમાં પોલીસની નાક નીચેથી એક બાદ એક ચોરીની ઘટનાઓને અંજામ આપી તસ્કરોએ હાહાકાર મચાવ્યો છે.તેવામાં સુરક્ષિત બેંક એટીએમ મશીનની ઉઠાંતરી કરી તસ્કરોએ પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેમ એટીએમ મશીન ઉઠાવી જતાં ચકચાર મચી હતી.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલા પિસાદ ગામની સીમ માંથી એક એટીએમ મશીન બ્રોકેજ હાલતમાં મળી આવ્યું છે.આ મશીન HDFC બેંકનું હોવાનું જાણવા મળી રહ્યું છે.વાત જાણે એમ છે કે છેલ્લા કેટલાક દિવસોથી વાગરા નગર વિસ્તાર તેમજ આસપાસના ગામોમાં તસ્કરોની દહેશત ઉભી થઈ છે. સાયખા જીઆઈડીસીમાં કાર્યરત કંપનીઓમાં પણ ચોરીની અનેક નાની મોટી સફળ નિષ્ફળ ઘટનાઓ બનવા પામી છે.લાખો રૂપિયાના માલમત્તા ચોરી કરી તસ્કરો બિન્દાસ પણે એક બાદ એક તસ્કરીને અંજામ આપી રહ્યા છે.પોતાના માલ મિલ્કતની સુરક્ષાને લઈને સ્થાનિકો ભયભીત થયા છે.તેવામાં વાગરા પોલીસને પણ તસ્કર ટોળકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાગરા પોલીસ મથકથી આશરે 200 મીટર દૂર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલ HDFC બેંકના એટીએમ મશીનને ઉઠાવી લઈ જઈને તસ્કરોએ પોલીસ સહિત સ્થાનીય લોકોની ઉંઘ હરામ કરી છે.એટલું જ નહિ મશીનની ઉઠાંતરી કરી તેમાં રહેલ રોકડ લઈ મશીનને પીસાદ ગામની સીમમાં આવેલ ખેતરમાં ફેંકી દીધું હતું.જેની જાણ ખેતર માલિકને થતાં તાત્કાલિક પોલીસને બોલાવવામાં આવી હતી.પોલીસે ચોરીની ઘટનાને ગંભીરતાથી લઈને અલગ-અલગ ટીમો બનાવી તસ્કરોનું પગેરું મેળવવા કવાયત શરૂ કરી દીધી છે. જો કે પોલીસની આ નાકામી સામે લોકોમાં અલગ અલગ ચર્ચાઓ ઉઠવા પામી છે.લોકો સુરક્ષા અને સેવાના પ્રતીક પોલીસ જવાનો પોતાના માલ મિલ્કતની સુરક્ષા કરે અને આવી ઘટનાઓ પર રોક લાગે તેમજ ચોરીની દહેશતથી છુટકારો મળે તેની વાટ જોઈ રહ્યા છે.હવે જોવું રહ્યું તસ્કરોને હાથકડીઓમાં પેરવી જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસને ક્યારે સફળતા મળે છે.જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી ચોરી અંગેની બેંક અધિકારી કે સુરક્ષા એજન્સી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવા પામી ન હતી.