વાગરા,
વાગરા પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીને આધારે ઈકો કારમાં લઈ જવામાં આવી રહેલ શંકાસ્પદ એસ.એસ ના વાલ્વ, પાઈપો,કોપરના વાયર સહિતના અઢી લાખ ઉપરાંતના શંકાસ્પદ મુદ્દામાલ સાથે આણંદના એક ઈસમની ખડ-ખંડાલી નજીકથી અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.
વાગરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર મિલકત સંબંધી ગુનાઓ અટકાવવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના તેમજ વાગરા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર અનિતાબા જાડેજાઓના માર્ગદર્શન હેઠળ વાગરા પોલીસના ASI રણજીતસિંહ પોલાભાઈ તેમજ ભોપાભાઈ ગફુરભાઈ સ્ટાફ સાથે થાણાબીટ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા.તે દરમ્યાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઈકો કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે ૨૩ સીએ ૬૧૩૬ માં શંકાસ્પદ ભંગારનો જથ્થો ભરેલો છે અને ઈકો ગાડી વાગરાથી આમોદ તરફ જઈ રહી છે. વાગરા પોલીસે તરતજ એક્શનમાં આવી વાગરા – આમોદ માર્ગ ઉપર આવેલ ખડ-ખંડાલી બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી.આ દરમ્યાન બાતમી મુજબની ઈકો કાર આવતા પોલીસે તેને અટકાવી ઈકો કારની તલાશી લેતા કારના પાછળના ભાગેથી એસ.એસના વાલ્વ, એસ.એસની ગોળ પ્લેટો, એસ.એસના કટીંગ કરેલ નાના પાઈપ તેમજ કોપરના તાર મળી આવ્યા હતા.સદર મુદ્દમાલ બાબતે ચાલક પાસે આધાર પુરાવા માંગતા તે ગલ્લા-તલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.તેમજ આ મુદ્દામાલ તે વાગરાના વાંટા વિસ્તારમાં રહેતા ફુરકાન અસ્લમ રાજને ત્યાંથી ભરીને લાવેલ હોવાનું જણાવ્યું હતું.પોલીસે એસ.એસના વાલ્વ, પાઈપ, પ્લેટો જેની અંદાજીત કિંમત ૩૦,૦૦૦ તેમજ ૩૦૦ કિલો કોપરના તાર જેની અંદાજીત કિંમત ૨૦,૦૦૦ તેમજ ઈકો કાર જેની અંદાજીત કિંમત ૨,૦૦,૦૦૦ તથા મોબાઈલ ફોન મળી કુલ ૨,૫૫,૦૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ CRPC કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી ઈકો ચાલક મોહંમદ અફવાન મોહમ્મદ સઈદ શેખ રહે. આણંદનાઓની ૪૧(૧) ડી મુજબ અટકાયત કરી વધુ તપાસ હાથધરી છે.