ભરૂચ,
આઈ.સી.ડી.એસ શાખા જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા આયોજીત શિક્ષણની વાત અને વાલી સંવાદોત્સવ અને ભૂલકા મેળો જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષીના અધ્યક્ષપદે યોજાયો હતો.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી જિલ્લા વિકાસ અધિકારી પી આર જોષીએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં ભણતા ભૂલકાઓના વાલીઓ સાથે તેમના વિકાસલક્ષી બાબતો પર ધ્યાન આપી શકાય તે માટે ભૂલકામેળાનું જિલ્લા પંચાયતની આઈસીડીએસ શાખા તરફથી આયોજન કરવામાં આવ્યું છે.વધુમાં તેમણે ઉમેરતા જણાવ્યું હતું કે આજનું બાળક એ આવતી કાલે દેશ માટે સારા નાગરિક બને તે માટે આંગણવાડી જેવા શરૂઆતના તબક્કામાં જ તેમનું સારું ઘડતર અને ભણતર થાય તે જરૂરી છે.ઉપરાંત સાપ્રંત શિક્ષણની વિભાવના મુજબ સ્માર્ટ આંગણવાડીઓની કાર્યરત કરાઈ છે.આમ, આંગણવાડી કક્ષાએથી જ બાળકોને શસક્ત બનાવવાથી તંદુરસ્ત સમાજનો પાયો નાખી શકાશે તેમ તેમણે વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું
કાર્યક્રમનાં પ્રારંભે આઈ સી ડી એસ શાખા દ્વારા ભૂલકાઓને લગતી શૈક્ષણિક પ્રવૃત્તિઓના ટી એલ એમનું પ્રદર્શન નિહાળ્યું હતું.સાથે સાથે મહાનુભાવોના હસ્તે સ્માર્ટ શિક્ષાબસનું પણ નિરીક્ષણ કર્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે,ટી એલ એમ પ્રદર્શન થકી પૂર્વ પ્રાથમિક શાળા માં ભણતા બાળકોના અભ્યાક્રમોને લગતી પ્રવૃત્તિ વાલીગણ જાતે પણ ઘરે પણ બનાવી શકે અને પોતાના બાળકનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉમદા પર આશય સાથે ટી એલ એમ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વેળાએ મહિલા અને બાળવિકાસ અધિકારી કાશ્મીરા બેન સાવંતે સ્વાગત પ્રવચન કરતાં સમગ્ર કાર્યક્રમની રૂપરેખા સમજાવી હતી.તથા આભારવિધી સીડીપીઓએ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતીબેન રાવ, મામલતદાર માધવીબેન મિસ્ત્રી,ભરૂચ ઘટકના સીડીપીઓ રિદ્ધીબા ઝાલા, મહિલા-બાળ અને યુવા પ્રવૃત્તિના અધ્યક્ષ ભાવનાબેન વસાવા, આંગણવાડી કાર્યકર્તાઓ,મુખ્યસેવિકા બહેનો,મોટી સંખ્યામાં ભૂલકાઓ તથા વાલીગણો ઉપસ્થિત રહ્યા હતા.