વાલિયા,
ભરૂચ જીલ્લાની વાલિયા ગ્રામ પંચાયતના તલાટી ક્મ મંત્રીએ વાલિયાની હરિ નગર સોસાયટી પાસે અપંગ રાહદારીને કાર વડે ફંગોળી દેતા ઈજાઓને પગલે ઈજાગ્રસ્તનું ટૂંકી સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ વાલિયા ગામના સરદાર નગર અને હાલ અંકલેશ્વર ઓ.એન.જી.સી કોલોની ખાતે રહેતી હેતલબેન વસાવાના પિતા મહેન્દ્ર ભાઈ રાજુભાઈ વસાવા છેલ્લા ચાર મહીનાથી પગે અપંગ છે.જેઓ ગતરોજ સવારના અરસામાં વાલિયાની હરિ નગર સોસાયટી તરફ જવાના માર્ગ ઉપર હાથના સહારે રોડ ઓળંગી રહ્યા હતા.આ દરમ્યાન હરિ નગર સોસાયટીમાંથી પુરપાટ ઝડપે કાર નંબર જીજે ૧૯ બીએ ૩૬૫૯ લઈ ધસી આવેલ વાલીયા ગ્રામ પંચાયતના તલાટી ક્મ મંત્રી ઊર્મિલાબેન ચૌધરીએ રાહદારી મહેન્દ્ર વસાવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે વાલિયાના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા.તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે મૃતકની પુત્રીએ વાલિયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી.
અકસ્માત સર્જનાર મહિલા તલાટી હાલમાં જ ડ્રાઈવિંગ શીખ્યા બાદ કાર ચલાવતા થયા હોવાની વિગતો બહાર આવી રહી છે.